રેસુંગ ચૌહાણ (મેરાન્યૂઝ.પાલનપુર): કોરોના વાયરસ (કોવિડ-૧૯)ની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને દુનિયા જંગ લડી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને બનાસકાંઠા જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે કલેકટરના નેતૃત્વ હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સજ્જન લોકો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને યુવાનો વગેરે સાથે મળી રાત દિવસ અથાક પ્રયાસો કરી રહ્યા છે.

કોરોના મહામારી સામે દેશ અને દુનિયામાં જંગ ચાલી રહ્યો છે ત્યારે આજે વાત કરવી છે પાલનપુરના એક એવા મહિલા ર્ડાકટરની જેમને પોતાને ઘણીબધી શારીરિક તકલીફો અને પોતે બે વખત મોતને હાથતાળી આપી હોવા છતાં અત્યારે કોરોના સામેના જંગમાં યોધ્ધા બનીને દિવસ, રાત મહેનત કરી રહ્યા છે.

એમનું નામ છે ડૉ. ગીતાબેન પટેલ, જેઓ પાલનપુરની જનરલ હોસ્પીટલમાં ક્લાસ વન એનેસ્થેટીસ્ટ ડૉકટર તરીકે ફરજ બજાવે છે. બહુ  જ ઓછા માણસોને હોય તેવી શારીરિક બિમારીની તેમને તકલીફ છે. તેમને ઘણીવાર સર્જરી પણ કરાવવી પડી છે પરંતું કોરોના વિશેની ગંભીરતાને એક ડૉકટર તરીકે સારી રીતે સમજી તથા દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા ડૉ. ગીતાબેન અત્યારે પાલનપુર સીવીલ હોસ્પિટલના સ્ટાફ સાથે અથાક કામગીરી કરી રહ્યાં છે.


 

 

 

 

ડૉ. ગીતાબેન પટેલ કહે છે કે સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાને લીધે વિકટ પરિસ્થિતિ છે. ભારત સામે પણ આ મહામારી સામે લડવાની મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કલેકટર સહિત આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. ડૉ. ગીતાબેને કહ્યું કે, આવા સમયે પીછેહઠ નથી જ કરવી એવું મેં મક્કમતાથી નક્કી કર્યું છે એટલે જ હું શારીરિક તકલીફોને એક બાજુએ મુકીને હકારાત્મક અભિગમ સાથે કામ કરું છું અને કરતી રહીશ.

તેમણે કહ્યું કે, મને મારા પરિવાર, મિત્રો, અને સ્ટાફ તરફથી ખુબ જ સારો સહયોગ મળે છે. મારા પરિવારનો પ્રેમ અને હૂંફ જ મને કામ કરવા તાકાત પુરી પાડે છે. તેમણે લોકોને ઘરમાં રહેવા અને હોંસલો બુલંદ રાખવા જણાવ્યું છે.

મૂળ વિસનગર તાલુકાના વાલમ ગામનાં વતની ડૉ. ગીતાબેન પટેલ કહે છે કે દરેક માણસની સમાજ પ્રત્યે કોઇને કોઇ જવાબદારી હોય છે. ડૉકટર તરીકે કોઇ વ્યક્તિ બહુ જ સારી સમાજ સેવા કરી શકે છે. કોઇપણ પેશન્ટ જરૂરિયાતના સમયે ડૉ. ગીતાબેનને ગમે ત્યારે ફોન કરી શકે છે. ડૉ. ગીતાબેનના હસબન્ડ પણ આંખના સર્જન ર્ડાકટર છે. કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતાં ડૉ. ગીતાબેન પટેલે કહ્યું કે અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ના નિકળો. કોરોનાથી ડરવાની નહીં પરંતુ જાગૃત, સજાગ રહેવાની જરૂર છે.