મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ કોર્ટ અથવા જજ સામે ફરિયાદ કરતા નથી કારણ પોલીસ અધિકારીઓ જાણે કે કોર્ટ વિરૂધ્ધ ફરિયાદ કર્યા બાદ ફાયદો કરતા નુકશાન વધુ થાય છે. આમ છતાં બનાસકાંઠાના એક પોલીસ સબઈન્સપેકટર દ્વારા કોર્ટ દ્વારા પોતાની સાથે દુર વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ કોર્ટ ઉપર મુકી આ સંબંધી સંબંધીત અધિકારીઓનું લેખિતમાં ધ્યાનન દોર્યુ છે.

બનાસકાંઠાના  માવસરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા એલ જી નકુમે પોલીસ સ્ટેશનમાં જજ સી કે મુન્સીના વ્યવહાર અંગે સ્ટેશન ડાયરીમાં કરેલી નોંધ ઉપર ડીએસપીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે, તા 13 જુનના રોજ તેમની ડીસા કોર્ટમાં મુદત હોવાને કારણે જેઓ મેજીસ્ટ્રેટ સી કે મુન્શી સામે હાજર રહી પોતાનું વોરંટ રદ કરવાની અરજી આપી હતી, પણ મેજીસ્ટ્રેટ મુન્શી ચાલુ કોર્ટમાં લોકોની વચ્ચે મોટે મોટેથી બુુમો પાડી તેમનું અપમાન કર્યુ હતું અને કઠેડામાં જતા રહેવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત મેજીસ્ટ્રેટ મુન્શીએ તારૂ જેલ વોરંટ ભરી તને જેલમાં મોકલી દઈશ અને કોર્ટના અવમાનના ગુનામાં સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી, અમે કોર્ટને અનેક વખત અમારૂ વોરંટ રદ કરવા વિનંતી કરી હતી આમ છતાં તેમણે મને આરોપીના કઠેડામાં બેસાડી દીધો હતો, રીસેષ બાદ ફરી અમે વોરંટ રદ કરવાની વિનંતી કરતા કોર્ટે અમારી સાથે અસભ્ય વર્તન કર્યુ હતું અને ત્યાર બાદ સાંજના સવા ચાર વાગે અમારા કેસમાં અમારી જુબાની લીધી હતી અમારી જુબાની પુરી થતાં ફરી અમને કઠેડામાં બેસાડી દીધા હતા.

આમ કારણ વગર અમને કઠેડામાં બેસાડી સરકારી સમયનો બગાડ કર્યો હતો. આ મામલે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ સ્ટેશન ડાયરીમાં પણ એન્ટ્રી કરી છે. આપને વિનંતી છે કે આ ઘટના અંગે આપના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થાય.

આવી જ ઘટના અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમાળી સાથે પણ થઈ હતી, પોલીસ દ્વારા પકડવામાં આવેલા નાર્કોટીકસના આરોપીની ધરપકડ બાદ 24 કલાક પુરા થતાં હોવાને કારણે શ્રીમાળી આરોપીને લઈ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મેજીસ્ટ્રેટના નિવાસ સ્થાને આરોપી સાથે ગયા ત્યારે શ્રીમાળી સાથે પણ મેજીસ્ટ્રેટ દ્વારા દુરવ્યવહાર થયો હતો તેવો આરોપ તેમણે મુકયો હતો અને તેમણે પણ પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ઉચ્ચ અધિકારીઓને આ બનાવની જાણ કરી હતી. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન-1ને તપાસ પણ સોંપવામાં આવી હતી પણ તે તપાસ બાદ જિલ્લા ન્યાયાધીશ સામે કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી તેની જાણકારી મળી નથી.