બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું ત્રીજી નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ ચાર વાર ચૂંટાઈ આવ્યા હતા.

વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રેસ પક્ષે સરકારમાં જોડાવાનું નક્કી કર્યું એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કહ્યું કે, ‘ધારશીભાઈ તમારું ભણતર ઓછું પડે છે એટલે મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાશે નહીં.’ એટલે તેમણે કહ્યું કે, ‘કામ તો સાયેબોએ કરવાનું છે ને મને સહી કરતા તો આવડે છે ચીમનભાઈ. મારા ગામની મંડળીનો દસ વર્ષથી વહીવટ હું જ કરું છું.’ ધારશીભાઈ માત્ર ગુજરાતી ચાર ચોપડીનું જ ભણતર ધરાવતા હતા.

તો આવો રોકડો જવાબ આપનારા ધારશીભાઈ સમય જતા ધારશીબાપાના નામે સંબોધાતા થયા. ખેતીની સાથે વેપાર કરી જાણતા તેઓ વડા ગામ સેવા સહકારી મંડળીના સ્થાપક સભ્ય હતા અને સ્થાનિક વેપારી મંડળના આગેવાન હતા. ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પરંતુ કૉંગ્રેસ પક્ષની સરકાર નહોતી એટલે તેમને સરકારમાં કોઈ સ્થાન – હોદ્દો મળી શક્યા નહોતા. એનો તેમને વસવસો પણ નહોતો.


 

 

 

 

 

વસવસો હતો તો એ વાતનો કે ધારાસભ્ય પદની છેલ્લી ચોથી મુદત પછી તેમની ટિકિટ અણધડ રીતરસમોથી કાપવામાં આવી, તેમને ઉમેદવારીથી દૂર રાખવામાં આવ્યા હતા. ગત તેરમી વિધાનસભામાં તેઓ 2012 થી 2017 સુધી કાંકરેજ બેઠકના ધારાસભ્ય હતા. ડિસેમ્બર 2017માં નવી ચૌદમી વિધાનસભા માટે ચૂંટણી નજીક આવી ત્યારે ઉંમરની રીતે એંસીની નજીક પહોંચવા આવ્યા હતા એટલે સ્વાભાવિક ક્રમમાં પક્ષ નવા ઉમેદવારને, યુવાનને તક આપે એ જરૂરી હતું. પરંતુ કૉંગ્રેસના નેતાઓએ ન તો તેમની પાસે નવું નામ માગ્યું કે ન તેમની કોઈ સલાહ લીધી. તેમને જણાવવામાં આવ્યું કે તમને ટિકિટ ન ફાળવવા માટે અલ્પેશ ઠાકોર દ્વારા કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે. ધારશીભાઈ કહે કે, એ ભાઈ તો ભાજપના ટેકેદાર છે. એ શું કામ મારી ટિકિટ કપાવે? એ સમયે જે જવાબ મળ્યો ત્યારે જ તેમને ખબર પડી કે અલ્પેશ ઠાકોર હવે કૉંગ્રેસમાં દાખલ થઈ ગયા છે. ધારશીબાપા કહે કે, ‘તમે લોકો લખી રાખજો કે આ ભાઈ પાલટીમાં લાંબુ ટકશે નહીં.’ ગુજરાત કૉંગ્રેસના આગેવાનો સમજ્યા કે આ તો બાપા એમની ઉમેદવારી જઈ રહી છે એટલે ગુસ્સામાં બોલી રહ્યા છે. ધારશીભાઈ પોતે ઉમેદવારી માટે પ્રબળ દાવેદાર નહોતા પરંતુ પક્ષે તેમના જેવા સિનિઅર આગેવાનની ટિકિટ પક્ષમાં નવા-સવા આવેલા અને જેમનું કંઈ જ રાજકીય પ્રદાન નહોતું એવા અલ્પેશ ઠાકોરના કહેવાથી કાપી એ વાતે દુઃખી જરૂર થયા હતા. જો કે બાપાએ ભાખેલું ભાવિ સાચું પડ્યું. રાધનપુર વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયેલા અલ્પેશકુમાર ખોડાભાઈ ઠાકોર ચૂંટાઈ આવ્યાના દોઢ જ વર્ષમાં પક્ષપલટો કરીને ભાજપમાં ભળી ગયા. ભાજપના ઉમેદવાર લેખે રાધનપુરના મતદારોએ તેમને નવેસરથી ઘરભેગા કર્યા એ જુદી વાત છે.

આમ રોકડું રાજકીય ભાવિ પારખનાર ધારશીભાઈ ખાનપુરા ઑક્ટોબરની મધ્યમાં ન્યૂમોનિયાગ્રસ્ત થયા. કાંકરેજમાં પ્રાથમિક ઉપચાર પછી વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. કોરોના સંક્રમિત થયાની જાણ થઈ અને તેની પણ સારવાર કરવામાં આવી. જો કે એક્યાસી પારની ઉંમરે સારવારને દાદ આપી નહીં. 19મી ડિસેમ્બર 1939ના રોજ કાંકરેજ તાલુકાના વડા ગામે જન્મેલા ધારશીભાઈ લખાભાઈ ખાનપુરા 3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા.

અલવિદા ધારશીબાપા. તમે ચાર જ ચોપડી ભણ્યા હતા પણ જબરી કોઠાસૂઝ સાથે વાતો ટકોરાબંધ કરતા હતા એ કહેવું પડશે હોં.