મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી જાતિવાદ અને કોમવાદનું એવું તંગદીલ વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે આ ઝેર ઘણા લોકોની નસેનસમાં દોડવા લાગ્યું છે. પ્રેમ કરતાં હોય અને ઉંમરથી પણ વયસ્ક હોય તેમને ભારતીય બંધારણ મંજુરી આપે છે પરંતુ સામાજીક પર્સનલ બંધારણ તેને હજુ પણ સ્વિકારવા તૈયાર નથી. જોકે તેમાં પણ ઘણા કિસ્સાઓ છે આજે પણ જેમાં માતા-પિતા હરખ ભેર સંબંધ વધાવે તો પણ કહેવાતો સમાજ તેને ધિક્કારે છે.

આજે એક વિચિત્ર ઠરાવ બનાસકાંઠાના દંતિવાડા ખાતેના 12 ગામો માટે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે (સમાજના આગેવાનો)એ કેટલાક નિયમો જે નક્કી કર્યા તેમાં અમુક નિયમો અત્યંત ચોંકાવનારા હતા. તેમણે સમાજની દીકરી સમાજને નીચુ જોવા જેવું કરે તો 1.50 લાખ રૂપિયા અને દિકરો કરે તો રૂ, 2 લાખ દંડ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ મુદ્દે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના 12 ગામોએ સમાજ સુધારાના ભાગરૂપે જે પહેલ કરી તેમાં અમુક મુદ્દામાં મારો સુર પુરાવું છું. ટેકનોલોજીના જમાનામાં દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી કે 18 વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરે તેમાં કઈ ખોટું નથી. હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. ગરીબ સમાજના દિકરા-દીકરીઓના અભ્યાસ માટે રૂપિયા 1900 કરોડનું બજેટ હોય ત્યારે આવા બંધારણો ન થાય તો શું થાય.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મોટાભાગના તેમના નિર્ણય આવકાર દાયક છે પરંતુ માત્ર કુમારી દીકરીઓ જ નહીં પરંતુ પ્રતિબંધ રાખવો હોય તો બંને માટે રાખવો જોઈએ. દિકરા અને દીકરી બંને માટે. મારા પોતાના પ્રેમ લગ્ન જ છે. મારી પત્ની બ્રાહ્મણ છે અને લગ્નને ઘણા વર્ષો થઈ ગયા.

બીજો એક એવો નિયમ પણ છે કે, કુંવારી છોકરીઓ મોબાઈલ ન રાખી શકે. મતલબ કે પરિણિત મહિલાઓ, કુંવારા છોકરાઓ કે પરિણિત પુરુષોને મોબાઈલ રાખવાની છુટ.

દાંતિવાડાઃ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા પોતાના કાયદાઓ

· વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં

· તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા

· સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા. મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં

· જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં.

· ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહીં અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે.

· જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ 1.50 લાખ જ્યારે છોકરાના માતા-પિતાને 2 લાખ ચુકવવાના રહેશે.