મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. જે ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં બનાસકાંઠાના પાંથાવાડા પાસે આવેલ એક ગામમાં રહેતી મૂળ રાજસ્થાનની વતની સગીરવયની કિશોરીનું અપહરણ કરી છ શખસો દ્વારા દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપીઓ સામે પોક્સો તેમજ એટ્રોસીટી એક્ટનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં બે આરોપીઓ ઝડપી પાડયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ,બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ભોળી પ્રજાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ કરવાની ફરિયાદો થવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાંથાવાડા મૂળ રાજસ્થાનની એક સગીરાને ચાર અજાણ્યા શખસોએ ગાડીમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાના ઈરાદે બેસાડી અપહરણ કરી ગયા હતા. બાદમાં ગાડીમાં જ એક આરોપીએ સગીરા સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બાદમાં ચારેય આરોપીઓ ભોગ બનનાર સગીરાને ચાર માસ સુધી જુદીજુદી જગ્યાએ લઈ જઈને અમીરગઢ તાલુકાના ધનપુરા નજીક કાળી માટી ખાતે વડીયા બાબુભાઈ કોળીને સોંપી હતી. જેને પણ સગીરાને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધાનેરા તાલુકાના પાંચ પીપળા ખિમત ખાતે રહેતા મહેશ મોંઘજી કોળીને સોંપી હતી. તેને પણ ભોગ બનનાર સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સગીરાનુ મોં બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા. ચાર માસ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મથી પીડાયેલી આ સગીરાએ સમગ્ર ઘટનાની વાત તેના માતા-પિતાને કરતા સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. જેને લઈ સગીરાના પિતા જીવા અમલીયા બુધવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ બનાસકાંઠા એસપી તરૃણકુમાર દુગ્ગલ સહિત એસસી, એસટી પાલનપુરના પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ઘટનામાં સામેલ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા એસપીના જણાવ્યા અનુસાર
બનાસકાંઠા એસપી તરૃણ દુગ્ગલે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે તપાસ કરતા એક આરોપી મહેશ મોંઘજી કોળી ધાનેરાવાળો તેમજ ચાર અજાણ્યા શખસો પૈકીનો એક ઈસમ ઝડપાઈ ગયો છે. જેની પૂછપરછ ચાલી રહી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સગીરાને ચાર માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું
ભોગ બનનાર સગીરાને તા.૧૯-૮-૧૯ની સાંજે ૭:૩૦ કલાકે અપહરણ કરાયું હતું. જેને ત્રણ ઈસમોએ ચાર માસ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર ઘટનાની વાત સગીરાએ માતાપિતાને કરતા પિતાએ પાંથાવાડા પોલીસ ફરિયાદ નોંધાવી છે.