મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવેલા ચુંદડીવાળા માતાજીના નિધનથી ચકચાર મચી ગઈ છે. પ્રહલાદભાઈ જાની કે જે ચુંદડીવાળા માતા તરીકે ઓળખાતા હતા તેઓનું મૃત્યું લોકો માટે દુઃખદ સમાચાર બની ગયું છે. તેમા પર ઘણા સંશોધનો પણ થઈ ચુક્યા છે. અક્ષય કુમાર, નરેન્દ્ર મોદી, બાલા સાહેબ ઠાકરે સહિતના સેલિબ્રિટિઝ તેમની મુલાકાત કરી ચુક્યા છે. તેઓ અંબાજી ગબ્બર પર રહીને છેલ્લા 76 વર્ષથી અન્ન જળ ત્યાગ કર્યો હતો.

ગત મોડી રાત્રે ચરાડા ખાતે 88 વર્ષિય ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો હતો. તેમની સમાધિ પણ અંબાજી ખાતે જ બનાવવામાં આવશે જે આગામી 28મી મેએ બનશે તેવું કહેવાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે છેલ્લા 76 વર્ષથી અન્ન કે પાણી લીધા ન હતા. તેમણે અન્ન અને પાણીનો ત્યાગ કર્યો હતો. જોકે આટલો લાંબો સમય ન અન્ન કે ન પાણીએ માણસ જીવંત કેવી રીતે રહી શકે તે પણ વિજ્ઞાન માટે એક ચોંકાવનારો પ્રશ્ન બન્યો હતો. તેમનો દેહ ભક્તોને દર્શન માટે આજે અને આવતીકાલે 27મીએ દર્શનાર્થે મુકાશે. જોકે હાલની મહામારીને ધ્યાનમાં રાખી અન્ય નિયમો જેવાકે સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું, સહિતના નિયમોનું પાલન કરવું પડશે. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો. 

મૂળ તેઓ ચરાડા ગામના અને માણસા તાલુકાના વતની હતા. તેઓ 6 ભાઈ, 1 બહેન સહિત અંદાજે 25થી 30 સભ્યોના જાની પરિવારના મોભી હતા અને તેમણે 14 વર્ષની વયે જ સંસારીક જીવન ત્યજી દીધું હતું. તેમના દર્શન માટે લોકો દૂરદૂરથી આવતા હતા. તેમના નિધનથી ભક્તોમાં શોકની લાગણી છે.