મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ચાઈના મેડ અને ભારતમાં પ્રચલીત થઈ ગયેલી ટીકટોક એપ્લીકેશન પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચના આદેશ પર બુધવારે આ એપ્લીકેશનથી પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ આ એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો હતો અને આજે કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો છે. અગાઉ કોર્ટને આ એપ્લીકેશનમાં પોર્નોગ્રાફી ફેલાતી હોય તેવું લાગ્યું હતું. જોકે આજે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીનું ભારતીય માર્કેટ ઘણું મોટું છે. પ્રતિબંધને કારણે કંપનીને આમે ય કરોડો રૂપિયા ગુમાવવાના થાય તેવું સ્પષ્ટ હતું.

અગાઉ મદ્રાસ કોર્ટના નિર્ણયને કારણે ગૂગલે પ્લેસ્ટોરમાંથી આ એપ્લીકેશનને હટાવી લીધી હતી. જે પછી નવા યુઝર્સ તેને ડાઉનલોડ કરી શક્તા ન હતા. હવે કહેવાય છે કે આગામી સમયમાં એપ્લીકેશન ફરીથી ડાઉનલોડ કરી શકાશે.

ટીકટોક મામલામાં ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટને ટિકટોક પર લાગેલા અંતરિમ પ્રતિબંધના નિર્ણય પર ફરી વિચારવાનું કહ્યું હતું. તે સાથે જ સુપ્રીમ કોર્ટે પણ સાફ કરી દીધું કે જો 24 એપ્રીલ પહેલા મદ્રાસ હાઈકોર્ટ આ મામલા પર ફરી વિચાર નહીં કરે તો ટિકટોક પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.

મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે આ કહેતા ટિકટોક પર અંતરિમ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો કે તેના દ્વારા ખોટા અને અશ્લીલ કંટેન્ટને ફેલાવવામાં આવી રહ્યું છે. જે બાળકોને માટે હાનીકારક છે. કોર્ટે આ આદેશ તમીલનાડુના સૂચના તથા પ્રસારણ મંતરી મણિકંદનના નિવેદન બાદ આપ્યો હતો. અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ કિરુબાકરણ અને જસ્ટિસ એસ એસ સુંદરની બેચે આ એપ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

હાઈ કોર્ટના ઓડરને ચીની કંપની બાઈચડાન્સએ ટિકટોક માટે સુપ્રીમમાં ચેલેન્જ કર્યો હતો અને કહ્યું કે આ એપ્લીકેશનથી યૂઝર્સ સ્પેશ્યલ ઈફેક્ટના દ્વારા શોર્ટ વીડિયો બનાવીને શેર કરે છે. કંપનીએ આગળ કહ્યું કે જો આ એપ પર બેન લાગે તો તેને ભારતની જનતાના બોલવાની આઝાદી પર પ્રતિબંધ લગાવાયો તેવું મનાશે.

ટિકટોક એક સોશ્યલ મીડિયા એપ છે જેને પેઈચિંગની બાઈટડાન્સ કંપની.એ લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી આ એપના ડાઉલોડની સંખ્યા 100 કરોડથી પણ વધી ગઈ હતી. 2018માં જ તે નોન ગેમ કેટેગરીની સૌથી વધુ ડાઉન્લોડ થનાર એપ્લીકેશન બની ગઈ હતી. અગાઉ ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં પહેલા જ તેને બેન કરી દેવાઈ છે.