મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઈકને અંજામ આપનાર વાયુ સેનાના પાંચ પાયલટને સ્વતંત્રતા દિવસે એટલે કે આવતીકાલે 15મી ઓગસ્ટે વાયુસેના મેડલથી સન્માનીત કરવામાં આવશે. વીરતા પુરસ્કારોમાં આ વખતે બાલાકોટ એર સ્ટ્રાઈકના વીરોને ખુબ સન્માન મળ્યું છે. આપને જમાવી દઈએ કે બાલાકોટ બાદ પાકિસ્તાનના એફ 16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્ર અને સ્કવૉડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનીત કરાશે.

સ્વતંત્રતા દિવસે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વોર્ડન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી, શશાંક સિંહને વાયુ સેના પદક આપવામાં આવશે. આ દરેક અધિકારી મિરાજ 2000 લડાકૂ વિમાનના પાયલટ છે. તેમણે પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૌશ-એ-મોહમ્મદ આતંકી શીબિર પર હુમલો કર્યો હતો.

વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે. વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં સામેલ રહેલા મિરાજ-2000ના પાયલટને વાયુસેના મેડલ આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે હજી આ વિશે કોઈ ખુલાસો થયો નથી. અભિનંદન સિવાય અન્ય પાયલટ દુશ્મન સામે કાર્યવાહી કરી સુરક્ષિત ભારતીય સીમામાં પાછા આવી ગયા હતા. અભિનંદનનું પ્લેન ક્ષતિગ્રસ્ત થઈ જતાં તેઓ પાકિસ્તાનમાં જ કુદી પડ્યા હતા. જ્યાંથી સરકારી દબાણોને પગલે અભિનંદનને પાકિસ્તાને પરત મોકલવા પડ્યા હતા.

વિંગ કમાન્ડર અભિનંદનને સમસ્થ દેશ જાણે છે પરંતુ બહુ ઓછા લોકો સ્કવૉડ્રન લીટર મિંટી અગ્રવાલને જાણે છે. તેમને યુદ્ધ સેવા મેડલ આપવામાં આવશે. અભિનંદન વિમાન ઉડાવી રહ્યા હતા, પરંતુ કન્ટ્રોલ રુમમાં બેઠેલ મિંટીએ તેમનો ખુબ સાથ આપ્યો હતો.