સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો છે ત્યારે આ વાઇરસનો ડોક્ટર અને સેવાભાવીઓ પણ ભોગ બની રહ્યો છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા CHCના આંખના ડોક્ટર ઘનશ્યામભાઇ જોશીનું કોરોનાના સંક્રમણ બાદ નિધન થયું છે. તો બીજી તરફ વિરમગામના સામાજિક કાર્યકર અને બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરતા બીરજુ ગુપ્તાનું કોરોનાના સંક્રમણ બાદ અવસાન થયું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બગોદરાના CHCમાં ફરજ બજાવતા આંખના ડોક્ટર ઘનશ્યામભાઇ જોશીને કોરોનાનો ચેપ લાગ્યા બાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં 20 દિવસની સારવાર બાદ તેમણે અંતિમશ્વાસ લીધા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓની નિવૃત્તિને એક વર્ષનો સમય જ બાકી હતો. ડોક્ટર ઘનશ્યામભાઇ જોશીના અકાળે નિધનથી તેમના પરિવાર તથા સાથી કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

બીજી તરફ વિરમગામના સેવાભાવી બીરજુ ગુપ્તાનુ પણ કોરોના સંક્રમણ બાદ નિધન થયું છે. બીરજુ ગુપ્તા બિનવારસી મૃતદેહો, રેલવેમાં કપાઇ ગયેલા અજાણ્યા લોકોના મૃતદેહોની અંતિમવિધિ કરવાની સેવાભાવી પ્રવૃત્તિ કરતા હતા. તેઓએ 100થી વધુ વખત રક્તદાન પણ કર્યું હતું. તેઓ 15 દિવસની સારવાર બાદ મે 2 ના રોજ આ ફાની દુનિયા છોડી ગયા હતાં.