મેરાન્યૂઝ નેટવર્ક.બગસરાઃ બગસરા ખાતે દીપડાના હુમલાઓની વધતી ઘટનાઓથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ માનવભક્ષી દીપડાએ છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિના જીવ લીધા છે. દીપડાથી લોકો એક બાજુ ભયભીત હતા ત્યાં ગત રાત્રે વધુ એક મહિલા પર હુમલો કરતાં મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવી પડી હતી જ્યા તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ ઘટનાઓને કારણે વનવિભાગે દીપડાને દેખો ત્યાં જ ઠાર કરી દેવાનો આદેશ આપ્યો છે.

આ દીપડો માનવભક્ષી બની ગયો હોવાનું કહેવાય છે, વનવિભાગ દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરતાં એક ટીમ બનાવાઈ છે જેમાં શાર્મ શૂટર્સ, કેટલાક અધિકારીઓ અને ત્રણ સીસીએફની પણ મદદ લીધી છે. હાલ અહીં માનવભક્ષી બનેલા આ દીપડાને પકડવા માટે ત્રીસ જેટલા પાંજરાઓ મુકાયા છે, 16 સીસીટીવી સહિતના કેમેરા મુકાયા છે, 24 કલાક કંટ્રોલ રૂમ ઊભો કરીને લોકોને સાંજના 7 વાગ્યા પછી ખેતરમાં ન જવાની સલાહ આપી છે કે જેથી તેમને આ ઓપરેશન પુરું પાડવામાં આડખીલી ઊભી થાય નહીં.

ઉલ્લેખનીય છે કે દીપડાના ત્રાસથી અહીંના લોકો તો ઠીક પરંતુ હાર્ષદ રિબડિયાએ પણ કંટાળીને બંદૂક ખભે ઊપાડી લીધી હતી. છેલ્લા એક વર્ષમાં ભાવનગર, અમરેલી, સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં 66 લોકો પર દીપડાના હુમલા થયા છે જેમાંથી 17ના મોત થયા છે. હર્ષદ રિબડિયાનું કહેવું છે કે, 17 લોકોને અત્યાર સુધી માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે, 67 ઘાયલ થયા છે. જો વનવિભાગ દીપડાને ઠાર નથી મારી શક્તું તો મારે ન છૂટકે હથિયાર ઉપાડવું પડશે. લોકોની રક્ષા પણ મારી ફરજ છે. હું આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છું. જો જંગલ ખાતું ન મારી શક્તું હોય તો હું ઠાર મારીશ.