મેરાન્યૂઝ નેટવર્ક.બાબરા : ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેત મજુરી કરવા આવેલા પરિવારના તરુણ અને તરુણીએ ઝેરી દવા પીને જીવતરનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રેમ સંબંધ બંધાયા બાદ દુનિયા એક નહિ થવા દે તેવા ડરના કારણે બંનેએ એકીસાથે વિષ પાન કરી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત  છવાયો છે. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

જાણવા મળતી વિગતો મુજબ, બાબરા-દરેડ રસ્તા ઉપર સીમ વિસ્તારમાં વાડી નજીકના ખાડામાં બન્નેના કોહવાયેલી હાલતમાં પડેલા મૃતદેહ જોવા મળ્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો સીમ વિસ્તારમાં રહી મજુરી કામ કરતા મુળ ઉના તાલુકાના વતની દિનેશભાઈ મોહનભાઇ દાફડાની 15 વર્ષીય પુત્રી કિરણ અને બાબરાના વતની અરવિંદભાઈ પરમારનો 16 વર્ષીય પુત્ર સાગર 21 ફેબ્રુઆરીથી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. 

દિનેશભાઇએ પોલીસમાં આપેલી માહિતી મુજબ કિરણ અને સાગર વચ્ચે પ્રેમસંબંધની ધારણા સાથે નાની ઉંમર હોઈ અને લગ્ન નહિ કરી શકવાના ડર અને બાળક હોવાથી પક્વ બુદ્ધિ નહિ હોવાથી પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પીવાના કારણે મોત થયા હતા. મૃતક સાગર 6 ભાઈઓમાં સૌથી નાનો હતો. કિરણના પિતા છેલ્લા 2 વર્ષથી પરિવાર સાથે બાબરા સીમ વિસ્તાર રહીમાં ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.