દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લા કેટલાક દિવસોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ મુનમુન દત્તાનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક્ટ્રેસએ વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અંગે લોકો એ મોટા પ્રમાણમાં મુનમુન દત્તાનો વિરોધ કર્યો. અમદાવાદના એક એડવોકેટ મનીષ વાઘેલાએ વિશ્વ હિન્દુ પરિષદના રિજિયોનલ સેક્રેટરી અશોક રાવલની ફરિયાદથી મુનમુન દત્તાને નોટિસ મોકલી છે.

નોટિસમાં એડવોકેટએ વાયરલ થયેલા વિડ્યોની વાત કરતા જણાવ્યું છે કે, આ વીડિયોમાં વાલ્મિકી સમાજ માટે અપશબ્દ વાપરવામાં આવ્યો છે. આપણો દેશ વસુધૈવ કુટુમ્બકમની ભાવના વાળો દેશ છે એવામાં આવા કોઈ એક સમાજ માટે આ અપશબ્દનો ઉપયોગ કરવો તે અયોગ્ય છે. એક લોકપ્રિય ટીવી અભિનેત્રી દ્વારા આવા શબ્દોનો પ્રયોગ થવાથી સમાજમાં ખરાબ અસર પડે છે. ગુજરાત સરકાર દ્વારા આ શબ્દને પ્રતિબંધિત કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને જો કોઈ આ શબ્દનો ઉપયોગ કરે તો તેના પર એટ્રોસીટી મુજબ ગુનો નોંધાશે. નોટિસમાં એડવોકેટ એ જણાવ્યું છે કે નોટિસ મળ્યાના સાત દિવસમાં અભિનેત્રીએ લેખિતમાં જાહેર રીતે માફી માંગવાની રહેશે નહીં તો તેમના પર એટ્રોસીટી મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.


 

 

 

 

 

અભિનેત્રીએ વીડિયો બીજા દિવસે જ હટાવી લીધો હતો અને પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકીને લેખિતમાં માફી માંગી હતી. મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયોમાં વાલ્મિકી સમાજ માટે અપશબ્દ વાપર્યો હતો. જેની તેમને ખબર પડતાં તેમણે આ વીડિયો હટાવી દીધો છે અને માફી માંગતા તેમણે કીધું કે મને આ શબ્દનો સાચો અર્થ ખબર ન હતી. મને જ્યારે આ શબ્દનો અર્થ ખબર પડી કે તરત જ વીડિયો હટાવી લીધો છે. મને દરેક ધર્મ અને જાતિના લોકો પ્રત્યે માન છે તેવું કહ્યું હતું.