જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): કોરોના વાઇરસ મહામારીએ જગતભરમાં મુશ્કેલીમાં મૂકી દીધું છે અને વિવિધ દેશો પોતપોતાની રીતે રસી અને દવા શોધવામાં લાગ્યા છે. ત્યારે દેશમાં કોરોના સામે આયુર્વેદિક દવાઓ ઘણા અંશે કારાગત નીવડી રહી છે કોરોનાના ઘણા દર્દીઓ આયુર્વેદિક સારવારથી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. બીજીબાજુ અરવલ્લી જીલ્લામાં સિવિલ હોસ્પિટલ, આઇસીસીયુ ઓન વિહલ્સ એમ્બ્યૂલન્સ તો નસીબમાં નથી સાથે સાથે જિલ્લામાં આવેલી ૧૯ આયુર્વેદિક હોસ્પિટલમાંથી ૭ હોસ્પિટલમાં તો તબીબી સ્ટાફનો અભાવ હોવાના કારણે દર્દીઓને સારવાર મેળવવામા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ દર્દીઓની દયનિય પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખુદ જીલ્લા આરોગ્ય અધિકારી પણ ચાર્જમાં ચાલી રહ્યા હોવાથી તબીબની ઘટ વિષે તો લોકોએ વિચારવું જ શું રહ્યું, જીલ્લામાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં તાબડતોડ આયુર્વેદિક તબીબોની ભરતી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે. ૭ હોસ્પિટલ ઇન્ચાર્જ તબીબથી ચાલતી હોવાથી દર્દીઓને ધરમધક્કા થાય છે.

અરવલ્લી જિલ્લામાં પ્રજાજનોના આરોગ્ય સુખાકારી માટે ૧૯ આયુર્વેદિક હોસ્પિટલ ઉપલબદ્ધ કરાવી છે પરંતુ ૧૯ આયુર્વેદિક દવાખાનામાંથી ૭ દવાખાનાઓમાં તબીબ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. મોડાસા તાલુકામાં ૩ અને ભિલોડા તાલુકામાં ૧ આયુર્વેદિક હોસ્પિટલમાં કાયમી તબીબ નથી કોરોનાની મહામારીમાં લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. બીજીબાજુ આયુર્વેદિક હોસ્પિટલમાં તબીબ ન હોવાથી લોકોને આયુર્વેદિક સારવાર લેવા માટે ભટકવું પડી રહ્યું છે.

અરવલ્લી જીલ્લાના આંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવતા મેઘરજ તાલુકામાં આવેલ ૪ આયુર્વેદિક દવાખાનામાંથી એક પણ દવાખાનમાં કાયમી આયુષ તબીબ ન હોવાથી આયુર્વેદિક દવાખાનાઓની સ્થિતિ જાણે દારુણ બની ગઈ છે. મેઘરજ તાલુકાના આયુર્વેદિક કેન્દ્રોમાં તબીબોના અભાવે લોકોએ ન છૂટકે ખાનગી દવાખાનાઓમાં મોંઘીદાટ સારવાર લેવાનો વારો આવ્યો છે. મેઘરજ તાલુકામાં આવેલા ૪ આયુર્વેદિક દવાખાનામાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાયમી તબીબોની નિમણૂંક કરવામાં આવે તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય હિતકારી નિર્ણય હશે રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સેવાઓ પહોંચાડવાના સરકારના દાવાઓ  પોકળ સાબિત થઈ રહ્યા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.

જીલ્લામાં આયુર્વેદિક વિભાગ ખુદ વેન્ટિલેટર પર હોય તેમ જીલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ઇન્ચાર્જ પર છે અને વહીવટી કામકાજ માટેનું મહેકમ પણ ભરવામાં આવ્યું નથી.