મેરાન્યૂઝ નેટવર્ક નવી દિલ્હી: અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામ મંદિર મામલે ઉકેલ લાવવા માટે સુપ્રિમ કોર્ટે મધ્યસ્થતા પેનલને વધુ 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની પીઠે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે તેઓ પેનલને વધુ સમય આપે છે. પેનલે વધુ સમયની માગણી કરી છે. અમને મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ મળ્યો છે અને અમે તેને વાંચ્યો છે. હજુ બંને પક્ષે સમજૂતીની પ્રક્રિયા જારી છે. અમે નિવૃત્ત જસ્ટિસ કલીફુલ્લાના રિપોર્ટ પર વિચાર કરી રહ્યા છીએ. રિપોર્ટમાં સકારાત્મક વિકાસની પ્રક્રિયા વિશે જણાવવામાં આવ્યું છે.

જો કે સુપ્રિમ કોર્ટમાં બીજી તરફ કેટલાક હિન્દુ પક્ષકારોએ મધ્યસ્થતાની પ્રક્રિયા પર વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે પક્ષકારો વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન નથી. જો કે સુપ્રિમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારો તરફથી રાજીવ ધવને કહ્યું કે અમે મધ્યસ્થતા પ્રક્રિયાનું સંપૂર્ણ રીતે સમર્થન કરીએ છીએ.