પ્રશાંત દયાળ(મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં કોઈ માણસ ખરાબ કરે તો તેની તરત નોંધ લેવાય છે, પણ સારૂ કરે તો આપણે તેની ભાગ્યે જ નોંધ લઈએ છીએ, રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા યુવાન પોલીસ સબઈન્સપેકટર મહંમદ અંસારી અને તેમની ટીમ એક આરોપીને પકડવા ગઈ હતી પણ ત્યાં તેમણે જે દ્રારૂણ ગરીબી જોઈ, તે જોઈ તેમની આંખો ભીની થઈ ગઈ હતી, ત્યાર બાદ તેમણે જે કઈ કામ કર્યુ તે એક પોલીસ અધિકારી તરીકે જ નહીં માણસ તરીકે પણ ઉત્તમ કામ હતું, આ અંગે meranews.com ઉપર આ સમાચાર પ્રસિધ્ધ થયા બાદ રાજકોટ પોલીસ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઈ મહંમદ અંસારીને બોલાવી તેમની નેકીયતની પ્રસંશા કરી તેમની પ્રશીસ્ત પત્ર આપ્યુ હતું કદાચ અંસારી માટે આ જીવવાનું મોટુ બળ સાબીત થશે.

રાજકોટ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સપેકટર મહંમદ અંસારી પાસે છેતરપીડીના કેસની તપાસ આવી હતી, અંસારી જે સોની આરોપી સામે તપાસ હતી તેમના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની સ્થિતિ અત્યંત ખરાબ હતી અને જેમની સામે આરોપ હતો તેમાં કોઈ તથ્ય તો ન્હોતુ પણ કથીત આરોપી સોનીની નાનકડી દિકરી કાનથી સાંભળી શકતી ન્હોતી, અને પૈસા અભાવે તેની સારવાર થઈ શકે તેમ ન્હોતી, અંસારી અને તેમની ટીમે જયારે આ જોયુ ત્યારે તેમની આંખો ભરાઈ આવી અને તેમણે કથીત આરોપીની દિકરીની સારવાર કરાવી તેને સાંભળતી કરી હતી, એટલુ જ નહિ અત્યંત શ્રીમંતાઈમાંથી સાવ દારૂણ બની ગયેલા પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી પણ ઉપાડવાની તેમણે તૈયારી બતાવી હતી.

આમ આરોપી પકડવા ગયેલી પોલીસ પાછી ફરે ત્યારે તેના હ્રદયમાં સારૂ કર્યાની ટાઢક હોય તેવુ પીએસઆઈ મહંમદ અંસારી અને ટીમના હ્રદયમાં લાગણી હતી, આ અંગે સમાચાર પ્રસિધ્ધ થયા બાદ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ પોતાની પોલીસ ઉપર ગર્વ થયુ અને તેમને મહંમદ અંસારીને પોતાની ઓફિસમાં બોલાલી શાબાશી આપી તેમનું સન્માન કર્યુ કદાચ આપણે સારૂ કરનારના સન્માનમાં આવો જ ઉત્સાહ રાખીશુ તો સારા માણસોની આ પૃથ્વી ઉપર કોઈ દિવસ કમી સર્જાશે નહીં.