મેરાન્યૂઝ નેટવર્ક. સિયાચીન : સિયાચીનમાં એક હિમસ્ખલનની ઝપેટમાં સેનાના જવાનો પણ આવી ગયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના 4 જવાન શહીદ થયા છે . ભારતીય સેનાના 6 લોકો, જેમાં 4 જવાન અને 2 સ્થાનિક લોકોનાં મોત થયા છે. 18000 ફૂટની ઊંચાઈ પર થયેલી આ દુર્ઘટના બાદ તુરંત બચાવદળ ત્યાં પહોંચી ગયું હતું.

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, જે વિસ્તારમાં આ દુર્ઘટના થઈ, તે જગ્યા 18000 ફૂટથી વધારે ઊંચાઈ પર છે. આ ઘટના લગભગ 3.30 કલાકની આસપાસની છે, જ્યારે આ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક ગ્લેશીયર દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બચાવ ટીમે તોફાનમાં ફસાયેલા 8 સભ્યોને બહાર કાઢ્યા હતા, જેમાં 4 સૈનિકો સારવાર દરમિયાન શહીદ થયા હતા. મૃતકોમાં બે સ્થાનિક લોકો પણ છે. હાલમાં પણ 7 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બર્ફીલા તોફાન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યું હતું.  તેમાં 8 જવાનોની ટુકડી હતી અને બર્ફીલા તોફાન આવ્યા ત્યારે તેઓ ઉત્તરી ગ્લેશિયરમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે સિયાચીન ગ્લેશિયરમાં હાલના સમયગાળામાં માઇનસ 30 ડિગ્રી તાપમાન હોય છે. અગાઉ આવી અનેક દુર્ઘટના બરફના તોફાન અને બરફવર્ષાના કારણે  જમ્મુ-કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં અને લેહ લડાખમાં, સિયાચીનમાં બની છે.