મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ લિંબાયતના કમરૂનગર ટેનામેન્ટ પાસે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોને પોલીસ દ્વારા પોત પોતાના ઘરે મોકલવાનો પ્રયાસ કરાયો હતો. આ માટે માઈકમાં ઍનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. લોકોને ટોળામાંથી  વિખેાઇ જવા માટે કહેવામાં આવતા ઉશ્કેરાયેલા ટોળાઍ જોરજોરથી બૂમો પાડી હોબાળો મચાવી પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. આખરે પોલીસનો કાફલો આવતા ટોળું ભાગી ગયું હતું. પોલીસે ટોળા સામે રાયોટિંગની સાથે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

લિંબાયત પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે મોડી સાંજે સાડા સાતેક વાગ્યે લિંબાયતના કમરૂનગર ટેનામેન્ટ પાસે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ટોળું વળીને ઉભા હતા જેથી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ અંકુશમા લેવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માઈકમાં ઍનાઉન્સમેન્ટ કરતા ટોળમાં એકત્ર થયેલા લોકો  ઉશ્કેરાયા હતા અને વધારે જોરજોરથી બૂમ બરાડા પાડવાની સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આખરે સમયસૂચકતા વાપીર ત્યાં ફરજ પર હાજર પોલીસે વધુ પોલીસનો કાફળો મગાવી લીધો હતો. પોલીસનો કાફલો આવતા ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ટોળા સામે રાયોટીંગના ગુનાની સાથે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.