રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ): વેરાવળ કોવીડ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલી 20 વર્ષીય યુવતિનું શુક્રવારે મોડીરાત્રે મૃત્‍યુ નિપજયું હતું. જેથી મૃતક યુવતિના સંબંઘીઓએ કોવીડમાં ખાસ ફરજ બજાવી રહેલા તબીબ પર હુમલો કરી મુંઢ માર મારી હોસ્‍પિટલમાં તોડફોડ કરતા તંગદીલી પ્રસરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાતના પગલે ઇન્‍ડીયન મેડીકલ એસો.એ ચોવીસ કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો કોવીડની ફરજથી અળગા રહેવાની ચિમકી ઉચ્‍ચારી હતી. જેના પગલે પોલીસે તબીબની ફરિયાદ નોંઘી ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓને ઝડપી લઇ તબીબોનો રોષ ઠારવા પ્રયત્‍નો કર્યો હતો.

કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. આવા કપરા સમયે તબીબો અને નર્સીગ સ્‍ટાફ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા હોવાથી કોરોના વોરિયર્સ તરીકે સમાજ સન્‍માન આપી બિરદાવી રહ્યું છે. એવા સમયે ગીર સોમનાથના વડામથક વેરાવળમાં કાર્યરત કોવીડ હોસ્‍પિટલમાં શુક્રવારે રાત્રે તબીબ પર હુમલાની બનેલી ઘટના ટોક ઓફ ઘ ટાઉન બની છે.

જેની પ્રાપ્‍ત વિગત મુજબ વેરાવળમાં કોવીડ (સીવીલ) હોસ્પીટલમાં શુક્રવારે બપોરના સમયે નમીરાબેન સીરાજીમ (ઉ.વ.20) રહે. વેરાવળ કોરોનાની સારવાર અર્થે આવી હતી. તેણીનું સારવાર દરમ્‍યાન રાત્રીના 8:30 આસપાસ મૃત્‍યુ નિપજ્યું હતું. હોસ્‍પિટલ પરીસરમાં જ સારવાર આપનાર ડો. આકાશ શાહ સાથે મૃતક યુવતિના અંદાજે પંદરેક જેટલા સંબંધીઓએ ઉગ્ર બોલાચાલી કરી હુમલો કરી મુંઢ માર મારી હેલ્‍પ ડેસ્‍ક કેબીનમાં તોડફોડ કરી હતી. હોસ્‍પિટલમાં અડઘો કલાક સુઘી થયેલી માથાકુટના પગલે તંગદીલી જેવો માહોલ પ્રસરી જતા ફરજ બજાવતા અન્‍ય તબીબો અને નર્સીંગનો સ્‍ટાફ ભયભીત બની ગયો હોવાથી વીજળીક હડતાલ પર ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અઘિકારી સ્‍ટાફ સાથે હોસ્પિટલે પહોંચી જઇ મામલો શાંત પાડવા કવાયત હાથ ઘરી હતી.

આ ઘટના અંગે ઇજાગ્રસ્‍ત ડો. આકાશ શાહએ દસ અજાણ્‍યા લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી. જેમાં જણાવ્યું કે, શુક્રવારે બપોરના સમયે નમીરાબેન શીરાજીમ નામની યુવતી શહેરની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રીફર થઇ કોવીડ હોસ્‍પિટલમાં આવી હતી. યુવતિ ગંભીર હોય સારવાર દરમ્યાન રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. જેથી ડો. આકાશ શાહએ મૃતકના સંબંધીને ફોન કરતા લાગ્યો નહીં જેથી ડો. અબ્દુલ કાદીરને જાણ કરી મૃતકના સંબંધીઓને માહિતી પહોચાડી હતી.

ત્યારબાદ રાત્રીના પોણા નવ વાગ્યા આસપાસ હોસ્પિટલ પરીસરમાં ડો. આકાશ શાહ સાથે દસેક લોકોના ટોળાએ અમારા દર્દીનું મરણ થયું હોય તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી બિભત્સ શબ્દો ભાંડી કાંઠલો પકડી જાપટ મારી હતી. કાચની કેબીનમાં તોડફોડ કરી હતી. આ ઘટના અંગે પોલીસે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૩૩ર, ૧૮૬, પ૦૪, ૪ર૭, ૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એકટ, એમેડમેન્ટ ઓડીનન્સ ર૦ર૦ ની કલમ ૩, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ પ૧ (એ) (બી), સરકારી મિલ્કતને નુકશાન કરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના નોટિફીકેશન સાથે જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગની કલમો હેઠળ દસ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.

આરપીઓના નામ

જેમાં વેરાવળ પોલીસ સ્‍ટાફએ ઘટનામાં સંડોવાયેલા મુખ્‍ય આરોપી (1) અક્રમભાઇ અબ્દુલભાઇ સીરાજી સૈયદ રહે.વેરાવળ, (2) મહમદ સોહીલ રફીકભાઇ સીરાજી રહે. પ્રભાસપાટણ વાળની રાત્રીના જ અટક કરી હતી. દરમ્‍યાન આજે બપોરે (3) અમીન હુશેનમીયા સિરાજી, રહે. સંજરી સોસાયટી-વેરાવળ (4) મોઇન રફીક સીરાજી, રહે. અજમેરી કોલોની (5) એજાજ મહમદ હનીફ સિરાજી રહે.દીવાનીયા કોલોની (૪) આરીફ મહમદ હનીફ સિરાજી, રહે. દીવાનીયા કોલોનીવાળાની અટક કરી કવોરોન્ટાઇન રાખવામાં આવેલ છે. તમામ આરોપીઓના કોરોના ટેસ્ટની કાર્યવાહી પુર્ણ થયા બાદ અટક કરવામાં આવશે તેમ પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ છે.

"કોવિડ હોસ્પીટલમાં કલેકટરના હુકમથી ફરજ બજાવતા ખાનગી હોસ્‍પિ.ના તબીબ પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાત"

કોવીડ હોસ્પીટલમાં ખાનગી તબીબી પર હુમલો થયાની ઘટનાના પગલે વેરાવળ આઇ.એમ.એ.ના ડો.પરીખ, ડો.દીલીપ ચોચા, ડો.વિજય ચોટાઇ, ડો.ગોસ્‍વામી, ડો.માખણસા, ડો.થાનકી સહિત મોટીસંખ્‍યામાં તબીબો હોસ્‍પીટલે દોડી આવી ઘટનાને વખોડી કાઢી ઉગ્ર રોષ વ્‍યકત કરતા ચિમકી ઉચ્‍ચારી કે, જો ચોવીસ કલાકમાં હુમલાના આરોપીઓને પકડવામાં નહીં આવે તો કોવીડની માનદ સેવા આપતા શહેરની ખાનગી હોસ્‍પિ.ના તબીબો માનદ સેવાની ફરજથી અળગા રહેશે. વઘુમાં કહ્યું કે, કલેક્ટરના આદેશથી કોવીડ હોસ્પીટલમાં માનદ સેવા આપવા આવી રહેલા ખાનગી તબીબોની સુરક્ષા તંત્રએ ખાત્રી આપી વ્‍યવસ્‍થા સુદઢ બનાવી જોઇએ તેવી માંગણી કરી હતી.