મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી શોધવામાં વિશ્વભરની ફાર્મા કંપનીઓ હોડમાં ઉતરી છે. U.K.ની ફાર્મા કંપની આસ્ટ્રાઝેનકા અને ઓક્સફર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલતું વેકસીનનું સંશોધન અંતિમ તબક્કામાં છે ત્યારે વિશ્વ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

મંગળવારે આસ્ટ્રાઝેનકાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોનાની વેકસીનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં હતું ત્યારે, જે વોલેન્ટિયર્સ પર પરિક્ષણ કરવામાં આવતું હતું તેમાંથી એક વોલેન્ટિયરને અનપેક્ષિત બીમારી થતાં પરિક્ષણ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.

કંપનીના પ્રવક્તાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ એક રૂટિન પ્રક્રિયા છે. આ કોઈ ચિંતાનો વિષય નથી. કંપનીએ એ પણ કહ્યું કે, જ્યારે મોટા પાયે કોઈ સંશોધન કરવામાં આવે ત્યારે આવી અનપેક્ષિત બીમારીઓ આવવાની ઘટના સામાન્ય છે. પણ એની સમીક્ષા સ્વતંત્ર રીતે થવી જોઈએ, જે અમે કરી રહ્યા છીએ. અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને ટ્રાયલમાં કોઈ કસર ના રહે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. જોકે, કંપનીએ વોલેન્ટિયર અંગે અને એની બીમારી વિષે કંઈ જ જણાવ્યુ નહોતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અનેક ફાર્મા કંપનીઓ જેવી કે, જોન્સન એન્ડ જોન્સન, મોડર્ના ઇન્ક, સનોફી, બાયોનેટ, ગ્લેક્સો, નોવાવેક્સ, ઝાયડસ વગેરે પણ વેકસીન બનાવવાની હોડમાં શામેલ છે.
(Edited By: Milan Thakkar)