મેરાન્યૂઝ નેટવર્ક.ગુવાહાટીઃ 'પકડાયો એ ચોર' આસામમાં ભાજપના ઉમેદવારની કારમાંથી ઈવીએમ મળવાની ઘટના બની છે, જોકે આ ઘટના લોકોની સામે આવી જતાં ભારે ચકચારી બની ગઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમ મશીનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણી પંચે હવે અહીં રાતાબારી સીટના એક પોલીંગ સ્ટેશન પર ફરી ચૂંટણી કરવાની જાહેરાત કરી દીધી છે. અહીંની પોલીંગ ટીમ ભાજપના ઉમેદવારની કારમાં ઈવીએમ લઈને સ્ટ્રોંગ રૂમ પર પહોંચી હતી, જે પછી કરીમજંગમાં હિંસા ભડકી ગઈ હતી. રાતાબરી સીટ આ જિલ્લામાં આવે છે. ટીમના સદસ્યોને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોએ આ સંદર્ભમાં જાણકારી આપી છે.

જે કારમાં પોલિંગ ટીમના મેમ્બર્સ ઈવીએમ લઈને પહોંચ્યા હતા, તે કાર પથકંડીના ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પોલની હતી. આ ઘટનાને લઈને વિપક્ષી પાર્ટીઓએ સત્તાધારી ભાડપ પર ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. આસામમાં ગુરુવારે બીજા ચરણના મતદાનમાં 77 ટકા વોટર ટર્નાઉટ રહ્યું હતું અને ક્યાંકને ક્યાંક હિંસાની મોટી જાણકારીઓ મળવા લાગી હતી. આ જ ક્રમમાં કરીમગંજમાં પણ હિંસા થઈ હતી અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.


 

 

 

 

 

આ ઘટના ત્યારે બની જ્યારે રાતાબારીમાં પોસ્ટેડ ચૂંટણી પંચની પોલિંગ ટીમની કાર રસ્તામાં ખરાબ થઈ ગઈ આ કાર વોટંગ પછી પોલિંગ સ્ટેશનથી ઈવીએમ લઈને સ્ટ્રોંગ રૂમમાં જઈ રહી હતી. સૂત્રોએ એવું પણ કહ્યું કે કાર ખરાબ થયા બાદ અધિકારીઓએ કાર બદલવા માટે સેક્ટર ઓફીસરને ફોન કર્યો, જ્યાં તેમને એક બીજી કાર મોકલવાનું આશ્વાસન આપ્યું. જોકે કારની રાહ જોયા વગર અહીં પોલિંગ સ્ટાફે એક પ્રાઈવેટ કારમાં લિફ્ટ લઈ લીધી. કૃષ્ણેંદુ પોલની ચૂંટણી સોગંદનામામાં તેમની પત્ની મધુમિતા પોલના નામે આ કાર રજિસ્ટર્ડ છે. (રજી. નં. AS10B0022).

જ્યારે આ કાર સ્ટ્રોંગ રૂમ વાળા વિસ્તારમાં પહોંચી તો વિપક્ષના સમર્થકોએ કારને ઓળખી લીધી અને તેમના પર હુમલો કરી દીધો. ડ્રાઈવર સાથે સાથે પોલિંગ સ્ટાફને પણ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું. જિલ્લા તંત્રને અહીં એક પોલીસની મદદથી ભીડમાં કાબૂ લાવવાની સાથે ગાડી, ઈવીએમ અને પોલિંગ સ્ટાફને પોતાની સુરક્ષામાં લેવાની જરૂર પડી હતી. ચૂંટણી પંચના સૂત્રોનું તો કહેવું છે કે ઘટનામાં શામેલ પોલિંગ સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલિંગ સ્ટેશન 149 પર ફરી ચૂંટણીની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે ભાજપ પર બૂથ કેપ્ચરિંગની સાથે ઈવીએમ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે. ગૌરવ ગોગોઈએ ટ્વીટ કરતાં કહ્યું કે ભાજપ પાસે આસામમાં જીતવા માટે હવે બસ આ જ રસ્તો બચ્યો છે.