મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અભિનેત્રી પર્લ પંજાબીએ મુંબઈમાં પોતાના ઘરના ધાબા પરથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના શુક્રવારની છે. પર્લનું ઘર ઓશિવારામાં સ્થિત છે. વીસ વર્ષની પર્લ બોલિવુડમાં પોતાનું કેરિયર બનાવવા માગતી હતી. તે લાંબા સમયથી ફિલ્મોમાં સ્ટ્રગલ કરી રહી હતી પરંતુ સફળતા ન મળતા નિરાશ થઈ હતી.

મોડલ પર્લ પંજાબી જે બિલ્ડીંગમાં રહેતી હતી, તેના ગાર્ડ બિપિન કુમાર ઠાકુરે કહ્યું કે, ઘટના રાત્રે અંદાજે 12.15 અને 12.30 દરમિયાન બની હતી. તે પહેલા કોઈના બુમ પાડવાનો અવાજ આવ્યો હતો. મને લાગ્યું કે કોઈ રોડ પર બુમો પાડી રહ્યું છે. જ્યારે હું ત્યાં ગયો તો બુમ પાડવાની અવાજ થર્ડ ફ્લોરથી આવી રહી હતી. તે ફ્લોર પર પર્લ પંજાબી રહેતી હતી.

કહેવાઈ રહ્યું છે કે, પર્લ પંજાબીનો પોતાની માતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ટીવી9ના રિપોર્ટરના મુજબ, તે પહેલા પણ તે બે વાર આપઘાત કરવાના પ્રયત્નો કરી ચુકી હતી. ત્યાં જ પોલીસે કહ્યું કે પર્લ પંજાબી માનસીક રીતે અસ્વસ્થ હતી.

તેવામાં ગત રાત્રે પરિવારમાં કોઈ વાતને લઈને અનબન થઈ અને પર્લ પંજાબીએ છતથી છલાંગ લગાવી દીધી. ગંભીર હાલતમાં પર્લને કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં તેણે દમ તોડી દીધો. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે કે પર્લ જાણિતા ગાયક ઉદિત નારાયણના દિકરા આદિત્યની મિત્ર હતી.