પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે  ઘણી  બધી વખત એવી વ્યકિતઓને મળ્યા હશો કે જેમના મળતા તમને થોડીક જ વારમાં તેની પાસેથી જતા રહેવાની ઈચ્છા થાય, આવી વ્યકિત સાથે તમારે કોઈ દુશ્મની પણ નથી અને તે વ્યકિતએ તમને કોઈ નુકશાન પણ કર્યું નથી છતાં કોઈ પણ વગરનો સંવાદ ના થયો હોય તો પણ તમને ત્યાંથી નિકળી જવાની ઈચ્છા થાય છે, તમે વિચાર્યું કે આવું કેમ થાય છે. અથવા હવે વિચારો કે કઈ વ્યકિતને મળ્યા પછી ત્યાંથી નિકળી જવાનું તમને મન થાય છે. આપણી આસપાસ એવી વ્યકિતઓ રહે છે જેઓ સતત પોતાની અંગે જ વિચાર કરતી હોય છે. તેને સતત લાગ્યા કરે છે કે તેના જીવનમાં તેની સાથે કઈ જ સારૂ થતું નથી, તેમને લાગે છે લોકો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી, તેઓ સતત અન્યાયનો ભોગ બન્યા છે. આમ પોતાની સાથે બધુ જ ખરાબ થઈ રહ્યું છે અને કોઈ તેમને સમજી શકતું નથી તેવું માનસીક આવરણ તેઓ પોતે તૈયાર કરે છે અને તેમાં તે સંતાઈ જાય છે.

આમ પોતાને તે માનસીક રીતે બીજાથી અલગ કરે છે, જેના કારણે તેમની અંદર રહેલી નકારાત્મકતાનો ગુણાકાર શરૂ થાય છે. આપણા ઘરમાં આપણી સોસાયટીમાં અને આપણા શહેરમાં તેવી વ્યકિત અથવા ચોક્કસ વ્યકિતઓનો સમુહ એવો છે કે તેની તમામ વાત પહેલા તો ના શબ્દથી શરૂ થાય છે. અને ત્યાર બાદ કઈ સારૂ થઈ રહ્યું નથી અને સારૂ થવાનું નથી તેવા ભાવ સાથે જ તેઓ વાત પુરી કરે છે. સમસ્યા તો પુથ્વી ઉપર રહેલી તમામ વ્યકિતઓને છે અને મોટા ભાગની વ્યકિત સમસ્યાના પગ પકડી બેસી રહેવાને બદલે સમસ્યાને હડસેલો મારવાના પ્રયાસ કરે છે અને તેમાં સફળ પણ થાય છે. પણ કેટલીક વ્યકિત સમસ્યા સામે બીચારા-લાચાર અને ગરીબ બની ઊભા રહે છે. તેઓ સમસ્યા સામે હાથ જોડેલી મુદ્રામાં ઊભા રહે તેનો પણ વાંધો  નથી કારણ શું કરવુ તે તેમનો વ્યકિગત મત છે પરંતુ આવી વ્યકિતઓની અપેક્ષા એવી હોય છે કે તમે પણ તેમને બીચારા-લાચાર અને ગરીબ છે તે વાતને તમે માન્યતા આપો, પોતાને બીજા કરતા અલગ કરવાનો આ બહુ વિચિત્ર અને દુઃખ દાયક પ્રયાસ હોય છે.

પોતે બીચારો-લાચાર અને ગરીબ છે તેવું જ્યારે કોઈ વ્યકિત માનવા લાગે ત્યારે બીજા તો ઠીક પણ તે પોતાનું ભલુ કરવાની ક્ષમતા પણ ગુમાવી દે છે. તે કારણે આવી માનીસક સ્થિતિની વ્યકિત પોતે કઈ કરવાને બદલે તમારી દયાની અપેક્ષા રાખવા સિવાય કઈ કરી શકતી નથી. તેને સતત બીજાની દયા ઉપર જીવવાની આદત બની જાય છે. આપણા ઘરમાં પણ તેવી વ્યકિત હશે તમે યાદ કરજો કે એક જ ઘરમાં તમામને  એક સરખુ જમવાનું, પહેરવાનું અને અન્ય સગવડો મળતી હશે પણ એક વ્યકિત સતત પોતાને ઓછું મળી રહ્યું છે પોતાને કોઈ સમજી શક્તુ નથી તેવો ભાવ તેના ચહેરા ઉપર તમને કાયમ જોવા મળશે. તમને તેનો ચહેરો જોઈ એવું જ લાગે કે હમણાં જ તેમના ઘરમાં કોઈનું મરણ થયું છે. આમ વ્યકિત પોતે જ દુઃખની વ્યાખ્યા નક્કી કરે છે અને તેણે નક્કી કરેલા ધોરણોમાં તે તેની જાતને જ બંધ કરે છે આમ તે માનસીક રીતે અટુલો પડી જાય છે. સતત નકારાત્મકતાને કારણે તેની નકારાત્મકતા એટલી તીવ્ર થઈ જાય છે કે તેને મળવા આવેલી વ્યકિતને નકારાત્મકતા વમળો ડીસ્ટર્બ કરે છે.

આવી વ્યકિતને કોઈ મદદ કરી શકે તો તે પોતે જ છે મનોચીકીત્સામાં એક પ્રકાર છે તેને સેલ્ફ કાઉન્સીંલગ કહેવાય છે સામાન્ય રીતે માનસીક બીમારીની સારવાર કરતા ડૉકટર દર્દી સાથે વાત કરી માનસીક બીમારીમાંથી કઈ રીતે બહાર નિકળી શકાય તેની સલાહ આપે છે, પણ મને લાગે દરેક વ્યકિતઓ વખતો વખત સેલ્ફ કાઉન્સીંલીગ કરવું જોઈએ જ્યારે આપણને લાગે કે આપણી સામે સમસ્યા આવી ઊભી છે ત્યારે આપણે પોતાની જાતને આ પાંચ સવાલ પુછવા જોઈએ (1) જે સમસ્યા નિર્માણ થઈ છે તેના માટે તે પોતે જ જવાબદાર છે, જો જવાબ હા હોય તો હવે તે સમસ્યામાંથી પોતે કઈ રીતે બહાર આવી શકે તે દિશામાં પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ, અને જો જવાબ ના હોય તો આપણે જે સ્થિતિ માટે જવાબદાર નથી તેના માટે આપણે પોતાને  દોષીત માની લેવાની જરૂર નથી. (2) ત્યાર બાદ પોતાને સવાલ પુછવાની જરૂર છે કે આપણે જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ તેવી સમસ્યામાં આપણે એકલા જ છીએ કે આપણી જેવા અનેક લોકો છે, મને ખબર છે દરેકને પોતાની સમસ્યા કાયમ મોટી જ લાગે છે પણ જ્યારે આ સવાલ આપણે પોતાને પુછીએ ત્યારે સમજાય છે કે દેશના લાખો -કરોડો લોકો પાસે આવી સમસ્યા છે પણ તેઓ સમસ્યાના પગ પકડી રડતા નથી.

(3) ખરેખર તમારી સમસ્યા જ તમને તકલીફ આપે છે કારણ ઘણી વખત આપણે પાસે ઓછું છે તેના કરતા બીજા પાસે વધુ છે તેવો ભાવ પણ આપણે દુઃખી કરતો હોય છે. આપણી પાસે રહેવા ઘર અને જમવા દાણો તો હોય પણ આપણો મિત્ર આલીશાન કારમાં ફરે છે આપણે કાર કયારે લાવીશું તે બાબત આપણને સુવા દેતી નથી. તેથી આપણે પોતાને પુછવું જોઈએ કે ખરેખર આપણે દુઃખી છીએ કે બીજાનું સુખ આપણને દુઃખી કરે છે. (4) આપણને આપણા ઘર-સોસાયટી અથવા ઓફિસમાં ખરેખર અન્યાય થઈ રહ્યો છે કે આપણે પોતાની જાતને સક્ષમ બનાવી નથી જેના કારણે આપણી અણઆવડત-કામ નહીં કરવાની દાનત અને આળસુ સ્વભાવને કારણે આપણે બીજાની નજરમાં પડી જઈએ છીએ. ત્યારે પોતાને અલગ કરી બીચારા તો બની ગયા નથીને. (5) આપણું દુઃખ ખરેખર મોટું છે, તેમાં કોઈ શંકા નથી પણ આપણે દુઃખ અને સમસ્યાની જે હરોળમાં ઊભા છીએ તે છેલ્લી હરોળ છે કે પછી આપણી નીચેની હરોળમાં પણ બીજા લોકો છે જેમની સમસ્યા અને દુઃખ આપણા કરતા અનેક ઘણા મોટા છે. એક જાણિતું વાકય કહું છું કે, હું જયારે બુટ માટે રડું છું ત્યારે મારી નજર પગ વગરના માણસ તરફ જાય છે અને મને લાગે કે હું સુખી છું.