મેરાન્યૂઝ નેટવર્ક, હિંમતનગર: હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનના ASI પોતાની કાર લઇ વતન રણાસણ જતા હતા. ત્યારે પુરાલમાં નદીના પુલ પર કાર ડિવાઇડરના રેલીંગ સાથે ટકરાતાં અકસ્માતમાં ASIનું મોત થયું હતું. 

હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રહેવર (53)ગુરૂવાર બપોરે હિંમતનગર ધનસુરા રોડ ઉપર પોતાની સેન્ટ્રો કાર નં. GJ-01-HP- 7087 લઈ વતન રણાસણ તરફ જઈ રહ્યા હતા. પુરાલના ખારવો નદીના પુલ ઉપર ધડાકા સાથે કાર ડિવાઈડરના રેલીંગના પીલ્લર સાથે ટકરાતાં અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હિંમતનગરમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પોલીસ બેડા સહિત પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.પી.જાની અક્સ્માત સ્થળે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.