મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે સુરત આવ્યા હતા. અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો અને ત્યાં તેમણે ભાજપ સરકારની નીતીઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મહામારીના સમયે રાજ્યમાં અને દેશમાં ભાજપ સરકારની કામગીરી ઉપર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ કૃષિ કાયદા અંગે પણ ટીપ્પણી કરી હતી.

Advertisement


 

 

 

 

 

મહામારીમાં સરકારે મૃતકોના આંકડા છુપાવ્યા છે તેવો આક્ષેપ કરતા અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, " સરકારે મૃતકોના આંકડા છુપાવવા ન જોઈએ યોગ્ય સર્વે કરીને સાચા આંકડા પ્રજા સમક્ષ મુકવા જોઈએ. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને 50  હજાર નહીં પણ 5થી 10 લાખ વળતર ચુકવવુ જોઈએ. અમારી સરકાર મૃતકોના બાળકો અને પરિવારને સહાય કરી રહી છે."

તેમણે કૃષિ કાયદા અંગે પણ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, " સરકારના ઘમંડના કારણે ખેડૂત આંદોલન આટલુ લાંબુ ખેંચાયુ હતું. કૃષિ મંત્રીએ ખેડૂતોને મળવુ જોઈએ અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવી જોઈએ. આખરે સરકારે નમીને ખેડૂતોની વાત માનવી જ પડી અને કૃષિ કાયદા પરત ખેંચવા પડ્યા."