મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતના લોકો આરોગ્યની દરકારમાં જો કોઇ પાયાનું કામ કરતા હોય તો એ છે ગામડા, ગામની એક સામાન્ય આશા કાર્યકર એવી જ એક આશા બહેને કોરોનાના કપરા સમયે પોતાના પર હુમલો થયો પણ સર્વે ન છોડ્યો અને ગામને કોરોના મુક્ત કરવા માટે સાહસિક કદમ ભર્યા હતા.

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું તો તેમાં ગ્રામ્ય વિસ્તાર પણ સપડાયો. જેમાં આદિજાતિ એવા મેઘરજ તાલુકાના ગામોમાં પણ કેસ નોંધાયા તો આવા વિસ્તારના લોકોને સૌ પ્રથમ હોમ ક્વોરેન્ટાઇન કરવાથી લઇ આસપાસના લોકો સંક્રમણમાં ન આવે તેની તકેદારી રાખવાનું કામ પાયાના એવા ગામની આશા બહેનો જ કરતી હોય છે. અરવલ્લીની આવી જ એક આશા બહેન છે, જેના પર કોરોનાગ્રસ્ત પરિવારે હુમલો કર્યો તોય આ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જઇ સતત 14 દિવસ સર્વે પૂર્ણ કર્યો અને લોકોને મહામારી અંગે જાગૃત કર્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગાય-વાછરડા ગામની જયાં અમદાવાદથી આવેલા એક પરિવારે પોતાના ટેસ્ટ કરવાની વાત દૂર રહી પણ સર્વેમાં નામ આપવાનો ઇન્કાર કરી, સર્વેમાં આવનાર બહેનો પર હુમલો કરી દિધો.

ગાય-વાછરાડા ગામની આશા કાર્યકર બહેન શિલ્પાબેન અસારીના જણાવ્યા અનુસાર, અમારા ગામમાં આંતર જિલ્લામાંથી આવનાર પ્રવાસીઓની વિગત એકત્ર કરવાનું કામ હોય છે, ત્યાર બાદ આ પ્રવાસીઓને હોમ ક્વોરન્ટાઇન કરવાના હોય છે અને પછી લોકોના સેમ્પલ લેવાની પક્રિયા માટે સમજાવી, તેમના રિપોર્ટ પોઝિટીવ આવે તો આસ પાસ વિસ્તારમાં સર્વે શરૂ કરવાનો. આવી જ કામગીરી કરતાં એક બનાવ મારા ગામમાં બન્યો કે અમદાવાદથી આવેલા પરિવારની હું વિગત એકત્ર કરવા ગઇ તો પ્રથમવાર તો મળ્યા જ નહીં. બીજી વાર ગઇ તો તેમના પરિવારમાં કોણ કોણ છે ને ક્યારે આવ્યા તો વિગત આપવામાં આનાકાની કરી. એ જ સમયગાળા દરમિયાન અમારા આરોગ્ય વિભાગ દ્વારા આ પરિવારના સભ્યોનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું.
 
જેમાંથી તેમની દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેને લઇ તંત્ર દ્વારા આ ગામના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો અને આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ પર પ્રતિબંધ આવી ગયો અને શરૂ થયો સર્વે હું જ્યારે એ જ વિસ્તારમાં ગઇ તો કોરોના કેસ મળી આવેલા પરિવાર હું કઇ બોલુ-પુછપરછ કરૂ એના પેલા તો મારી સામે ગાળો બોલવાની ચાલુ કરી કહ્યું કે તારા કારણે આખા ગામના રસ્તા બંધ થઇ ગયા, મારી દીકરીને તો શરદી-ખાંસી હતી ને તે ખોટો રિપોર્ટ કરાવી કોરોના લાવી છે. મારી દીકરીને હોસ્પિટલમાં કંઇ થશે તો તારી જવાબદારી એમ કરી હાથ ઉપડવા સુધી વાત વણસી ગઇ પરંતુ મારી સાથેના આંગણવાડી અને મેલેરિયા વર્કર વચ્ચે પડી મને માંડ બચાવી.

આ સમગ્ર વાત મે મારા આરોગ્ય અધિકારીને કરી તેમણે પોલીસ કેસ કરવાની વાત કરી પણ હું પોતે જ ગામમાં કાયમ જોડે રહેવાનું હોય અને કેસ ક્યાં કરવો તેવી ઉદારતા સાથે વાત ને જતી કરી. બીજા દિવસે પોલીસ રક્ષણ સાથે ગામમાં સર્વે શરૂ કર્યો ને ગામમાં ફરી કેસ ના આવે તે માટે સતત 14 દિવસ કોરોના અંગે જાગૃત કર્યા હતા. ગામને કોરોનામુક્ત બનાવવાની દિશામાં નિરાશ થયા વગર કામ કરતી પાયાની આશા કાર્યકર શિલ્પાબેન જેવા કોરોના વૉરિયરને ખરેખર વંદન કરવાનું મન થાય.