મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ થોડા દિવસ અગાઉ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામની સંસ્થાને શુભેચ્છાઓનો પત્ર લખ્યો ત્યારે તેમને ઘણા જવાબો આપવાની પરિસ્થિતિ આવી ગઈ હતી કારણ કે તેમના પત્રથી એક વિવાદ વકર્યો હતો. આવી જ રીતે ફરી આસારામને કારણે ભારે વિવાદ વકર્યો છે. એએમટીએસ બસ સ્ટેન્ડ પર કોર્પોરેશને આસારામના પોસ્ટર્સ લગાવતા ભારે વિવાદ થયો છે. 14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણી માટે આસારામ ટ્રસ્ટ દ્વારા પોસ્ટર્સ લગાવાયા જેનાથી કોર્પોરેશનના તંત્રની સામે આંગળીઓ ચિંધાઈ છે. આ આંગળીઓ અને સવાલો ઊભા થતાં હોર્ડિંગ્સને કોર્પોરેશન હવે ઉતારી લેશે.

આગામી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે છે આ દિવસે આસારામના આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિએ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે તેવું પોસ્ટર તૈયાર કર્યું અને અમદાવાદમાં ઠેરઠેર પોસ્ટર્સ લગાવવામાં આવતાં ઘણા લોકો બળાત્કારી બાબાના નામના પોસ્ટર્સ જોઈ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. પોસ્ટર્સ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જતાં ભારે નારાજગીઓ જોવા મળી હતી.

આ ઘટનાને કારણે અમદાવાદના મેયર બિજલબહેન પટેલે કહ્યું કે, કોઈપણ પ્રકારની મંજુરી આપવામાં આવી હોય ત્યારે નામજોગ તે લોકોએ દરખાસ્ત કરી ન હતી, પરંતુ હવે એએમસીના ધ્યાને આ બાબત આવી છે તેથી તેને ઉતારી લેવાની તજવીજ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના નેતા અને ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આસારામના આશ્રમને શુભેચ્છાઓનો સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, 14 ફેબ્રુઆરી 2019એ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વારા નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યે ફરજોને સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપી સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામનાઓ પાઠવું છું. આ પ્રકારની શુભેચ્છાઓને કારણે વિવાદ વકર્યો ત્યારે ભૂપેન્દ્રસિંહે મીડિયાને એવો જવાબ પણ આપ્યો હતો કે મેં શુભેચ્છાઓ આપીને કાંઈ ખોટું કર્યું નથી.