અંકુર ચૌહાણ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાને લઈને અત્યારે બહારની દુનિયામાં જેમ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે, તેમ જેલવાસ ભોગવી રહેલાઓને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોના લોકોના સમૂહમાં વધુ ઝડપથી પ્રસરે છે અને જેલમાં તો તમામ કેદીઓ ખાસ્સા નજીક રહેતા હોય છે. આ કિસ્સામાં જો જેલમાં એક કેસ પણ પોઝિટિવ આવે તો એક સાથે રહેનારા હજારો લોકોના જીવ મુશ્કેલીમાં મૂકાઈ જાય. ઘણાં દેશોએ તો કોરોનાથી કેદીઓને પેરોલ આપવાનો રસ્તો અપનાવ્યો છે. જોકે કોરોનાની કટોકટી વખતે કેટલાંક હાઇપ્રોફાઈલ કેદીઓ પોતાનું ધાર્યું કરાવી લેવા માંગે છે. આમાંના એક જોધપુર જેલમાં કેદ આસારામ પણ છે. અત્યારે પેરોલ મેળવવા તેણે ભૂખ હડતાળ શરૂ કરી છે અને આસારામ સાથે જેલના અનેક કેદીઓ પણ જોડાયા છે. આમાં ચર્ચિત ભંવરી દેવી હત્યા કેસમાં સામેલ પૂર્વ મંત્રી મહિપાલ મદેરના પણ છે.

જોધપુર જેલમાં હાલમાં 1355 કેદીઓ છે, અને તેમાંથી બારસોથી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે તેમને છોડવા એ અમારા હાથમાં નથી. કેટલાક કેદીઓએ સોશ્યલ મીડિયા પર જેલની સ્થિતિ જોખમી છે તેમ દર્શાવ્યું છે, પણ જેલ અધિક્ષક કૈલાશ ત્રિવેદીનું કહેવું છે કે, બહાર કરતાં અંદર વધુ કાળજી રાખવામાં આવી રહી છે. જેલમાં નવી એન્ટ્રીને પૂરતી કાળજી રાખ્યા બાદ જ અંદર મોકલવામાં આવે છે. અત્યારે જોધપુર જેલની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ આસારામ અને અન્ય હાઈપ્રોફાઈલ કેસના ગુનેગારોને જેલ પ્રશાસન પર વિશ્વાસ નથી અને કોઈ પણ ભોગે તેઓને છૂટીને સલામત જગ્યાએ જવું છે.

પંજાબ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેલોમાં હળવા ગુનામાં સજા કાપી રહેલાં કેદીઓને છોડવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર તો 11,000  કેદીઓને ઇમરર્જન્સી પેરોલ આપીને છોડવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજ્ય-કેન્દ્ર સરકારની પ્રાથમિકતા કોરોનાથી સૌની સલામતી છે, પણ તે બહાને કેટલાંક રીઢા ગુનેગારો તેનો લાભ ન લે તે કોરોનાથી લડવા જેટલો જ મુશ્કેલ પડકાર છે.