મેરાન્યૂઝ નેટવર્ક.જોધપુરઃ આસારામને યૌન શોષણ મામલે લાંબા સમયથી જેલના સળીયા ગણતા આસારામની મોડી રાત્રે તબીયત લથડી પડી હતી જેને કારણે તેને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલમાં જ્યાં તેની સારવાર ચાલી રહી હતી તે વખતે લગભગ ત્રણેક કલાસ સુધી તો આસારામે ખુદ પોલીસ કર્મચારીઓને પ્રવચન આપ્યું હતું. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.
મોડી રાત્રે જોધપુરની સેન્ટ્રલ જેલમાં રહેલા આસારામને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેને કારણે કડક સુરક્ષાઓ વચ્ચે આસારામને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આસારામના સમર્થકોની અહીં ભારે ભીડ જામી ગઈ હતી. બીજી બાજુ હોસ્પિટલમાં તબીબોએ આસારામને તપાસ્યા, સીટી સ્કેન કર્યું. જોકે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તબીબોએ 3 કલાક સારવાર આપી અને બાદમાં પરત જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવાર વખતે આપ્યું પ્રવચન
આસારામની જે ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે તેની પાસે પોલીસ કર્મચારીઓ કે જે જેલમાંથી તેની અહીં સુરક્ષા જોઈ રહ્યા હતા તેમને જ પ્રવચન આપવાનું શરૂ કરી દીધું હતું. આસારામ અહીં તેમને ધર્મ અને કર્મનું જ્ઞાન આપવા લાગ્યો હતો, જોકે આશ્ચર્ય એ વાતમાં લોકોને થયું કે, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પણ આ પ્રવચન ધ્યાનથી સાંભળતા હતા.