મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: સમગ્ર દેશમાં ઓનલાઈન દવાઓનો વેપાર કરનાર કંપનીઓ અને સાઈટ પર એલોપેથિક દવાઓમાં મોટા ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવતા હોવાથી દવા બજાર સાથે સંકળાયેલ રિટેલ અને હોલસેલ વેપારીઓના ધંધાને માઠી અસર પહોંચી છે. ઈ-ફાર્મસી પર સરકાર દ્વારા પ્રતિબંધીત નશીલી દવાઓનું પણ બેફામ વેચાણ થતા યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાવાની દહેશત પેદા થતા અને ઈ-ફાર્મસી પર વેચાતી નશીલી દવાઓ પર મહદઅંશે કાબુ મેળવવામાં નિષ્ફળ રહેતા ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન દ્વારા દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લાદવા વારંવાર સરકાર રજુઆત કરવા છતાં ન્યાય નહિ મળતા ૨૭ સપ્ટેમ્બરે મેડિકલ સ્ટોર્સ બંધ રાખી સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શનથી નિવેડોના આવતા ૮ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ઉત્તરગુજરાતના ૩૫૦૦ થી વધુ રિટેલ અને હોલસેલ દવાના વેપારીઓએ હલ્લાબોલ કાર્યક્રમ યોજી જીલ્લા કક્ષાએ કલેક્ટર અને મદદનીશ કમિશ્નર (ફૂડ એન્ડ  ડ્રગ) ને રેલી યોજી આવેદનપત્ર આપી ઈ-ફાર્મસી પર પાબંધીની માંગ કરી હતી. 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં જીલ્લાના કેમિસ્ટોએ હલ્લાબોલ કરી બસ સ્ટેન્ડથી જીલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કેમિસ્ટ એસોશિયેશનના પ્રમુખ દિપક પટેલ, મોડાસા કેમિસ્ટ એસોશિયેશનના પ્રમુખ સુરેશ ભાઈ શાહ, મંત્રી દિનેશ સુથાર સહીત જીલ્લાના કેમિસ્ટોએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનને આવેદનપત્ર આપી ઓનલાઈન ફાર્મસીથી પ્રજાજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા રોકવા,યુવાનોને નશાખોરીમાં જતા બચાવવા અને દવા બજાર સાથે સંકળાયેલા લાખો પરિવારોને બેરોજગાર થતા બચાવવા તાત્કાલિક અસરથી ન્યાયાલયના નિર્ણય મુજબ ઈ-ફાર્મસીને તુરંત બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી.