મેરાન્યૂઝ નેટવર્ક.ઈટાનગરઃ સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ ફરી એક વાર ચરમ સીમા પર છે. આ દરમિયાન 5 ભારતીય નાગરિકોના અપહરણની વાતએ ભારે ઉહાપોહ મચાવી મુક્યો છે. અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગએ દાવો કર્યો છે કે અરૂણાચલ બોર્ડરથી ચીની સેનાએ પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું છે. આ આરોપો સામે આવ્યા પછી અરૂણાચલ પ્રદેશ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પોલીસે તે રિપોર્ટને ધ્યાને લધી છે, જેમાં દાવો કરાયો છે કે અપર સુબાનસિરી જિલ્લાના જંગલમાં શિકાર પર ગયેલા પાંચ ભારતીય નાગરિકોનું ચીની સેનાએ અપહરણ કરી લીધું છે. ઘટના શુક્રવારે જિલ્લાના નાચો વિસ્તારમાં થઈ હોવાનું કહેવાય છે. કથિત રીતે ગુમ થયેલા લોકોના પરિવારોએ કહ્યું કે બે વધુ લોકો તેમની સાથે હતા, જેઓ ત્યાંથી તક મળતાં જ ભાગી નિકળ્યા હતા. 

રવિવારે સવારે રિપોર્ટ મળ્યા પછી કાંઈક કહી શકાશ: પોલીસ

એસપી તર ગુસ્સરએ કહ્યું કે, મેં નાચો પોલીસ મથકના પ્રભારીને વિસ્તારમાં તાસ માટે મોકલ્યા છે અને તરત જ રિપોર્ટ સબ્મીટ કરવા કહ્યું છે. જોકે રિપોર્ટ રવિવાર સવાર સુધીમાં મળી શકશે, જે પછી કેસની તપાસ પર કાંઈક કહી શકાશે. જે પાંચ લોકોનું કથિત રીતે અપહરણ થયું છે તેમના નામ તોચ સિંગકામ, પ્રસાત રિંગલિંગ, ડોંગતૂ ઈબિયા, તનુ બાકર, નગારુ દિરિ છે.

આ પહેલા એક સ્થાનીક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ મુજબ, કિડનેપ થયેલા પાંચ લોકો તાગિન સમુદાય સાથે સંબંધિત છે. તે લોકો જંગલમાં શિકાર કરવા માટે ગયા હતા. જ્યારે તેમને ચીની સેનાએ કિડનેપ કરી લીધા હતા. માહિતી મુજબ, શનિવારે સવારે પીડિત લોકોના પરિજન સેના અને અન્ય અધિકારીઓ સાથે મળવા ગયા હતા. તેમણે અધિકારીઓને આ મામલાને ગંભીરતાથી લેવાની અપીલ કરી હતી અને તમામ અપહરણ કરાયેલા દેશ વાસીઓને પાછા લાવવાની વિનતી કરી હતી.