મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત ગત અઠવાડિયાથી નાજુક ચાલી રહી હતી. હાલમાં તેમની સારવાર એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ આ સારવાર દરમ્યાન મૃત્યું પામ્યા છે. ત્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ 66 વર્ષના હતા અને વિવિધ બિમારીથી પીડાતા હતા. અગાઉ તેમણે મેદસ્વીતા ઘટાડવા ઓપરેશન પણ કરાવેલું હતું.

આપને જણાવી દઈએ કે 9 ઓગસ્ટે તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને મળવા પહોંચ્યા હતા. તે વખતે એઈમ્સએ કહ્યું હતું કે જેટલી હેમોડાયનૈમિક્લી સ્ટેબલ છે. મેડિકલ સાયન્સમાં તેનો મતલબ થાય છે કે દર્દીના બ્લ્ડ પ્રેશર અને પલ્સ ઠીક કામ કરી રહ્યા છે.

તેમના ફેફસાઓમાં વારંવાર પાણી જમા થઈ રહ્યું હતું, જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તબીબી સૂત્રોનું એવું પણ કહેવું હતું કે તેમને સોફ્ટ ટિશૂ સરકોમા થયો હતો, જે એક પ્રકારનું કેન્સર હોય છે અને ક્યાંકને ક્યાંક તેના કારણે તેમને આ સમસ્યા હતી.

જેટલી પહેલાથી જ ડાયાબીટીઝના દર્દી હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાઈ હતી અને થોડા સમય પહેલા તેમને સોફ્ટ ટિશૂ કેન્સરની બિમારીની જાણ થઈ હતી. તેમણે મેદસ્વીતાથી છૂટકારો મેળવવા માટે બૈરિએટ્રીક સર્જરી પણ કરાવેલી હતી.

એઈમ્સમાં સારવાર દરમિયાન આજે 24મીએ બપોરે 12.07 કલાકે તેમનું અવસાન થયું હતું. જેટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તબીયતના કારણે જ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.