મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી અરવલ્લી જીલ્લામાં નદીમાં અને તળાવોમાં ડૂબવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના વાગોદરાના તળાવમાં સગીર ડૂબી જવાની ઘટનાના ૨૪ કલાકના સમયગાળામાં ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં બુધરાસણ ગામનો અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતો રિટાયર્ડ આર્મી જવાન અગમ્ય કારણોસર ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી રિટાયર્ડ આર્મી જવાનના મૃતદેહને શોધી કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હાથમતી નદી નજીક આવેલા ટીસ્કી સ્મશાનની બાજુમાં બુધરાસણ ગામનો રિટાયર્ડ ફોજી જવાન ડૂબી જતા પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આર્મી જવાનનો મૃતદેહ બહાર કાઢતાની સાથે તેના પરિવારજનોએ પોક મુકતા અને ભારે આક્રંદ કરી મૂક્યું હતું. આ સ્થળે અત્યાર સુધી અનેક લોકો હાથમતી નદીમાં ડૂબી મોતને ભેટતા તંત્ર દ્વારા આ સ્થળે નોટિસ બોર્ડ મુકવામાં આવેની માંગ કરી હતી.

બુધરાસણ ગામનો અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતો નરસિંહભાઇ મનજીભાઇ પાંડોર નામનો નિવૃત આર્મી જવાન ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદીમાં નાહવા માટે જતા ઉંડા પાણીમાં ડૂબી જતા નજીકમાં રહેલા અન્ય લોકો બચાવે તે પહેલા પાણીમાં ગરકાવ થઈ જતા હોહા મચી હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા સ્થાનિક તરવૈયા નરેશ ચીમનભાઈ વાઘરી દોડી આવી હાથમતી નદીમાંથી મૃતક આર્મી જવાનના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પરિવારજનોની ઉપસ્થિતિમાં લાશ બહાર કાઢતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું ભિલોડા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.