મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે સિલેક્ટ થયેલી ભારતીય મહિલા ખો ખો ટીમની પૂર્વ કેપ્ટન સારિકા કાલેએ કહ્યું કે તેની જીંદગીમાં એવો પણ સમય આવ્યો હતો જ્યારે તે નાણાકીય સમસ્યાઓને કારણે લગભગ એક સમયે તે દિવસમાં એક જ વખત જમી શકતી હતી, પરંતું આ રમતે તેની જીંદગી બદલી નાખી. હાલ મહારાષ્ટ્ર સરકારમાં રમત અધિકારી તરીકેના પદ પર કાર્યરત કાલેને 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસના પ્રસંગે અર્જુન પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવશે.

એક જ વખત જમવાનું મળતું

સાઉથ એશિયન ગેમ્સ 2016 માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ખો-ખો ટીમની કપ્તાન રહી ચૂકેલા કાલેએ પીટીઆઈને કહ્યું, 'આ વર્ષે મને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હોવા છતાં, મને તે દિવસો યાદ છે જ્યારે હું ખો-ખો રમતી હતી. મેં લગભગ એક દાયકા સુધી દિવસમાં માત્ર એક જ વાર ભોજન લીધું હતું. હું મારા કુટુંબની પરિસ્થિતિને કારણે રમતમાં આવી હતી. આ રમતથી મારું જીવન બદલાઈ ગયું છે અને હવે હું ઉસ્માનાબાદ જિલ્લાના તુલજાપુરમાં રમતગમત અધિકારીની પોસ્ટ પર કામ કરી રહી છું.

ખાસ સમયે જ ખાસ જમવાનું મળતું

27 વર્ષીય ખેલાડીએ યાદ કર્યું કે તેના કાકા મહારાષ્ટ્રના ઉસ્માનબાદ જિલ્લામાં રમત રમતા હતા અને તે 13 વર્ષની ઉંમરે તેને મેદાન પર લઈ ગયા હતા. આ પછી તેણે સતત રમવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, 'મારી માતા સીવણકામ અને ઘરના અન્ય કામો કરતી. મારા પિતાની શારીરિક મજબૂરી હતી અને તેથી તે કમાણી કરી શક્યા નહીં. અમારું આખું કુટુંબ મારા દાદા દાદીની કમાણી પર નિર્ભર હતું. તે સમયે મને દિવસમાં માત્ર એક જ વાર ખોરાક મળતો હતો. હું જ્યારે કેમ્પમાં જતી હોઉં ત્યારે અથવા કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની હોઉ ત્યારે જ મને ખાસ ખોરાક મળતો હતો.

રમતને 2016માં છોડી દેવાનો નિર્ણય કર્યો હતો

તેના કોચ ચંદ્રજીત જાધવે કહ્યું કે કાલે આર્થિક સમસ્યાઓના કારણે રમત છોડી દીધી હતી. જાધવે કહ્યું કે, 'સારિકાએ તેના પરિવારની આર્થિક સમસ્યાઓના કારણે 2016 માં રમત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. સારિકા સાથે વાત કર્યા પછી, તે મેદાન પર પાછી ફરી અને આ જ વળાંક હતો. તેણે પોતાની રમત ચાલુ રાખી અને ગયા વર્ષે તેમને સરકારી નોકરી મળી, જેનાથી તે આર્થિક રીતે મજબૂત બની.'