મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોનાકાળ ઉપરાંત બિયારણ અને ખાતરમાં મોઘવારીને કારણે જગતનાતાતને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને આકાસ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે સમયસર મેઘરાજાની પધરાણી થતા ખેડૂતોમાં ખૂશીની હેલી જોવા મળી છે. બે દિવસ અગાઉ રાત્રીએ ભારે પવન સાથે  વરસાદ આવ્યા બાદ શનિવારે બપોરે એકાએક વાદળછાયું વાતાવરણ થઇ ગયા બાદ ઝરમર ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલથી ખેડૂતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ સુધી વાવણીલાયક વરસાદ પડયો ન કહેવાય જેના કારણે હજુ પણ ખેડૂતો વધુ વરસાદની વાટ જોઇ રહ્યા છે.

ચોમાસુ શરૂ થાય તે પહેલા તૈક્તે વાવાઝોડા અંતર્ગત એક મહિના અગાઉ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો તે વખતે રવિ સિઝનના જુવાર અને બાજરી સહિત શાકભાજીનો પાક ઉભો હતો તેને નુકશાન થયું હતું પરંતુ તે વખતે વધુ વરસાદ પડવાની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે જમીનમાં ભેજ ઉતર્યો હતો. આ ભેજનો લાભ લઇને ખેડૂતોએ આ વખતે પ્રિ મોનસુન વાવેતર શરૃ કરી દીધું હતું.

Advertisement


 

 

 

 

 

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો પ્રથમ વરસાદ બે દિવસ પહેલા પડયો હતો ત્યાર બાદ બે દિવસના ભારે ઉકળાટ બાદ શનિવારે  મેઘરાજાનું આગમન થતા સમગ્ર જીવસૃષ્ટિની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફેલાઇ છે.

અરવલ્લી જીલ્લામાં ત્રણ દિવસમાં બીજીવાર વરસાદ વરસતા જેને લઇને ચોમાસુ શરૃ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે અને ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે પરંતુ ખરીફ સિઝનમાં લેવાતાં પાક માટે હજુ સુધી વાવણીલાયક વરસાદ પડયો નથી તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝન દરમિયાન લાખ્ખો હેક્ટરમાં કપાસ સહિત વિવિધ વાવેતર કરવામાં આવે છે પરંતુ હાલની સ્થિતિએ પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાના કારણે વાવણી કરાઇ નથી. હજુ વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ પડે અને વાતાવરણમાં ભેજ જળવાઇ રહે ત્યારે ખેડૂતો વાવણી કરતાં હોય છે.ઉલ્લેખનીય છે કે, જમીનમાં ભેજ ૧૫ સેન્ટીમીટર જેટલો નીચે સુધી હોય ત્યારે વાવણી કરવામાં આવે તો જે તે બિયારણમાંથી કુંપણ ફુટે અને તેના મુળ જમીનના ભેજમાંથી પોષણ મેળવી શકે.