મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર આરટીઓ તંત્ર અને ટ્રાફિક પોલીસતંત્રની મીલીભગત થી ખાનગી વાહનચાલકો બિન્દાસ્ત જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ખીચોખીચ મુસાફરો ભરી અને છત પર મુસાફરો બેસાડી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે. બીજીબાજુ ટ્રાફિક પોલીસ મોટર વિહકલ એક્ટ-૨૦૧૯માં સુધારો કરી નિયમો અમલવારીમાં મુકાયા છે ત્યારે ટ્રાફિકના આ નિયમોની અમલવારીમાં પણ વ્હાલા દવાલાની નીતિ ચાલી રહી હોય તેમ ગરીબ વાહનચાલકોને દંડવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે. અરવલ્લી ટ્રાફિક પોલીસે મેઘરજની મસ્જિદમાં કામ કરતા બાઈક લઈ પસાર થતા ફકીરને ટ્રાફિકના નિયમનો ભંગ બદલ ૯.૫ હજાર રૂપિયાનો દંડ ફટકારતા વાહનચાલકે આજીજી કરવા છતાં મેમો આપી દેતા રીતસરનો રડમસ બન્યો હતો. લોકો પાસેથી માંગી એકઠી કરેલ ચીલ્લર લઈ મોડાસા આરટીઓ કચેરીમાં પહોંચ્યો હતો. મોડાસા આરટીઓ કચેરીમાંથી આ દંડ હિંમતનગર આરટીઓ કચેરીમાં ભરવો પડશેનું જણાવતા બાઈક ચાલક નિઃસહાય હાલતમાં મુકાયો હતો.
 
મેઘરજની મસ્જિદમાં કામ કરતા અને માંગણ તરીકે જીવનનિર્વાહ 

સિકંદરશા કાલુશા ફકીર ગત રોજ બાઈક લઈ મોડાસા કામકાજ અર્થે આવી મેઘરજ પરત ફરતા રોડ પર ટ્રાફિકના નિયમન માટે ઉભેલ ટ્રાફિક પોલીસે સિકંદરશાને અને અન્ય પાંચ જેટલા બાઈક ચાલકોને અટકાવી દંડની કાર્યવાહી હાથધરી હતી. જેમાં અન્ય ચાર બાઈક ચાલકોને ૫૦૦ રૂપિયા અને સિકંદરશાને રૂ.૯૫૦૦ /- ટ્રાફિકનીયમન ભંગ મુજબ દંડ ફટકારતા બાઈક ચાલકે પોલીસને તેને પણ ૫૦૦ રૂપિયા દંડ આપવા આજીજી કરવા છતાં ટ્રાફિક પોલીસે દંડની રકમ ઓછી કરવાના બદલે ૯.૫ હજારનો મેમો પકડાવી દેતા સિકંદરશા નિઃસહાય બન્યો હતો. દંડની રકમ ભરવા માટે લોકો પાસેથી એક એક રૂપિયો માંગી એકઠી કરેલ ચિલ્લર કોથળામાં લઈ મોડાસા આરટીઓ કચેરીમાં પહોંચ્યો હતો. આરટીઓ કચેરીમાં કામકાજ અર્થે આવેલ લોકો પણ સિકંદરશાને ચિલ્લર ગણાતા જોઈ એકઠા થઈ ગયા હતા. તેની આપવીતી સાંભળી લોકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.
 
બાઈક ચાલક સિકંદરશા દિવાન મોડાસા આરટીઓ કચેરીમાં ચિલ્લર સાથે દંડ ભરવા પહોંચતા આરટીઓ કચેરી દ્વારા આ દંડ હિંમતનગર આરટીઓ કચેરીએ ભરવાનું જણાવતા સિકંદરશા પર વધુ એક આફત આવી પહોંચી હતી અને ચિલ્લર સાથે હિંમતનગર જવા રવાના થયા હતા ત્યારે આ ગરીબ બાઈક ચાલાક સામે દંડની રકમ ઓછી કરવામાં તંત્ર માનવતા દાખવે તે ખુબ જરૂરી છે.