મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ૨૪ માર્ચના રોજ લોકડાઉન લાગુ કરાયું તેના બે-ત્રણ દિવસ પહેલાથી જ ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં સરકારે પાન-મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતમાં તમાકુંના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે દારૂની માફક તમાકું અને તેની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે! સામાન્ય દિવસોમાં સાડા ચાર હજાર રૂપિયાની કિલો વેચાતી મસાલા (માવા)ની તમાકુંના ભાવ અત્યારે રૂ. ૧૮ થી ૨૦ હજાર બોલાઈ રહ્યા છે. ૫ થી ૧૦ રૂપિયામાં મળતી વિવિધ ગુટખાની પડીકી ૩૦ થી ૪૦ રૂપિયા બોલાઈ રહ્યા છે. પાન-મસાલા ગુટખાના વેપારીઓ વ્યસનીઓ સાથે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે સરકારી તિજોરીને ફટકો પડી રહ્યો છે. બીજીબાજુ કાળાબજારીયાને ઘી-કેળાં થઇ ગયા છે, અરવલ્લી જીલ્લામાં લોકડાઉન-૪ માં મળેલી છૂટછાટમાં પણ સૌથી વધુ લાઈનો પાન-મસાલાના ગુટખાના જથ્થાબંધ વેપારીઓના ત્યાં જોવા મળી રહી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉનમાં પાન-મસાલા, ગુટખા, બીડી સિગારેટના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતાની સાથે કાળાબજાર સારું થઇ ગયા હતા. તમાકુ-ગુટખાની તીવ્ર તંગી વચ્ચે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં જવાબદાર તંત્રની આંખ નીચે કેટલાક લેભાગુ વેપારીઓએ ડુપ્લીકેટ તમાકુ-ગુટખા વેચાણ કરી મલાઈ તારવી રહ્યા છે. નકલી અને જોખમી તમાકુંનું પણ ત્રણ થી ચાર ગણા  ભાવે વેચાણ શરૂ કર્યું છે. ચાંદીની વરખના બદલે નકલી તમાકુંમાં એલ્યુમિનિયમની વરખ હોય છે. જે સાત-આઠ માસમાં કેન્સર નોતરે છે. એટલે નકલી તમાકું ખાઈને લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે ચેડાં થઈ રહ્યા છે. ઘણા લોકો માનસિક તનાવ, બેચેની, અનિંદ્રા, કબજીયાત વગેરેનો ભોગ બની રહ્યા છે. ગુટખા-ખૈનીની પડીકીમાં પણ અસલીના નામે નકલી ગ્રાહકોને પધરાવી રહ્યા છે. વ્યસનીઓ ત્રણ થી ચાર ગણી રકમ ચૂકવી વ્યસનીઓ વ્યસનને પોષી રહ્યા છે.

મોડાસામાં પાન-ગુટખા વેચાણ કરતા શખ્શોએ ઘરે થી વેચાણ શરુ કર્યું 

મોડાસા શહેરમાં પાન-મસાલા ગુટખાની એજન્સી ધરાવતા વેપારીઓની દુકાનોમાં લાઈનો હજુ પણ યથાવત જોવા મળી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓએ માલ શોર્ટે જ હોવાનું કારણ આગળ ધરી માલ ઘરે પહોંચાડી દીધો છે, અને ઘરેથી નાના-મોટા પાન-પાર્લર ધારકો અને દુકાનદારોની ગરજ પ્રમાણે ભાવ ખંખેરી રહ્યા છે. 

તમાકુ પ્રતિબંધ મુકાયા પછી ત્રણ મહત્વની અસર જોવા મળી રહી છે 

રાજ્ય સરકારે તમાકું પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ અરવલ્લી જીલ્લામાં ત્રણ મહત્વની અસરો જોવા મળી છે. લોકો સાથે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે, સરકારી તિજોરીને જીએસટીની આવકનો મોટો ફટકો પડયો છે અને કાળા બજારીયાઓને ઘી-કેળા થઈ ગયા છે. તેમાં અમુક જગ્યાએ દારૂની માફક પોલીસની વરવી ભૂમિકા અને ભ્રષ્ટાચાર (હપ્તાખોરી)ના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.