મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં મોટા પ્રમાણમાં નીલગાય અને રોઝ જેવા પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડી રહ્યા છે. રાત્રીના સમયે નીલગાયોના ઝુંડ ઉભા પાકમાં ત્રાટકતા હોય છે. શનિવારે રાત્રે ટીંટોઈ નજીક ઉંડા કુવામાં નીલગાયનું બચ્યું ખાબકતા ખેડૂતે વન વિભાગ જાણ કરતા વનવિભાગની ટીમે જીલ્લામાં કાર્યરત વર્લ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશનની ટીમના સહયોગથી બે કલાકની ભારે જહેમત બાદ ૫૦ ફુટ ઉંડા કુવામાંથી રેસ્ક્યુ કરીં નીલગાયના બચ્યાને બચાવી લીધું હતું અને નજીકના જંગલમાં સહીસલામત છોડી દીધું હતું.  

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેમ વણથંભી વણઝાર યથાવત રહી હતી. જેમાં પીકઅપ ડાલા અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા રીક્ષાનો કડૂચાલો વળી જતા બેથી  વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શનિવારે રાત્રે ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર માંકરોડા ગામ પાસે પીક અપ ડાલુ અને રીક્ષા સામ સામે ધડાકાભેર ટકરાતા રીક્ષાનો કડૂચાલો વળી ગયો હતો. જેમાં રીક્ષા ચાલક સહીત બે થી વધુ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની ન થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભિલોડા પોલીસને અકસ્માતની જાણ થતા તાબડતોબ ધટના સ્થળ પર પહોંચી બંને અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.