મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં નવું વર્ષ ગોઝારું બની રહ્યું હોય તેમ ૧૦ થી વધુ નાના-મોટા અકસ્માતની ઘટનામાં ચાર લોકોને મોતને ભેટ્યા હતા. જયારે ૧૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા લાંભ પાંચમના દિવસે વીજકરંટથી સરડોઇ ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. જીલ્લામાં વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

 મોડાસા શહેરના પ્રજાપતી સમાજના આશાસ્પદ યુવક મહેશ પ્રજાપતિ કામકાજ અર્થે મોપેડ લઈ મેઘરજ તરફ જઈ રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર બેડજ પાટિયા નજીક મોપેડ સ્લીપ ખાઈ જતા મહેશ ભાઈ પ્રજાપતિ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં પરિવારજનોમાં તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ હતી. આશાસ્પદ યુવકનું  અકસ્માતમાં મોત નિપજતા મોડાસા શહેરના પ્રજાપતિ સમાજમાં ભારે શોકગની છવાઈ હતી. અન્ય એક અકસ્માતની ઘટના મોડાસા અણીયોર રોડ પર સર્જાઈ હતી. જેમાં રીક્ષા અને એક્ટિવા સામસામે અથડાતા તલાવડીના ભીખાભાઇ પરમાર અને ગાબટના ભાવેશ ભાઈ નામના બ્રાહ્મણ યુવકનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતની ઘટનાના પગલે બંને મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. શામળાજી-હિંમતનગર હાઈવે પર ભાઈબીજ ના દિવસે સુનોખ પાટિયા નજીક વાહનની રાહ જોઈ ઉભેલા પતિ-પત્ની નંદવાયું હતું. શામળાજી તરફથી પુરઝડપે આવી રહેલ કારના ચાલકે રોડ નજીક ઉભેલ લક્ષ્મીબેનને અડફેટે લઈ રફુચક્કર થઇ જતા કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું મોત નિપજતા પતિએ ભારે કલ્પાંત કરી મૂક્યું હતું ત્રણે અક્સમાતની ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના સરડોઇ ગામના જયદીપ નરેશભાઈ નામના આશાસ્પદ યુવકનું મરડીયા નજીક આવેલ પાણીપુરવઠા વિભાગના સંપ પર બ્રેકેટ મશીનથી કામકાજ દરમિયાન કરંટ લાગતા યુવક પટકાઈ જતા તાબડતોડ તેને સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું .જયદીપ ભાઈનું વીજકરંટથી મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.