મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત સંજય ખરાતના આગમન પછી ઘરફોડ ચોરી લૂંટની ઘટનાઓમાં ઘટાડો થયા બાદ ફરીથી જીલ્લામાં તસ્કરો અને ઘરફોડિયા ગેંગના આંટાફેરા વધી ગયા છે. જીલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બનતી હોય છે જો કે તસ્કર ટોળકી હિંમત ખુલી ગઈ હોય એમ મોડાસા સહયોગ બાયપાસ રોડ પર આવેલ પોલીસલાઈનમાં ત્રાટકી બંધ ક્વાટર્સમાંથી ૧.૮૯ લાખની ચોરી કરી તસ્કર ટોળકી જાણે ખાખીને ખુલ્લી ચેલેન્જ આપી રહી હોય એવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે. ખુદ પોલીસ ક્વાટર્સ જ સલામત ન હોય તો સામાન્ય પ્રજાના માલ-જાનની રક્ષા કોને ભરોશે સહીતની ચર્ચાએ જોર પકડ્યું છે. ચોરીનો ભોગ બનેલ પોલીસકર્મીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે. પોલીસ ક્વાટર્સમાં ચોરી થતા કોઈ જાણભેદુએ ચોરીની ઘટનામાં સંકળાયેલ હોય તેવી માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. 

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જીઆરડી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મોડાસા સહયોગ ચોકડી નજીક આવેલ પોલીસલાઈન ક્વાટર્સમાં રહેતા વદનસિંહ મગનજી ઝાલા તેમના પરિવાર સાથે રહે છે. તેમનો પરિવાર વતનમાં સામાજિક કામકાજ અર્થે ગયેલ હોવાથી પોલીસકર્મી વદનસિંહ સોમવારે તાજેતરમાં જીઆરડી ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ યુવકોના ડ્રેસના રૂપિયા ૧૪૭૬૦૦/-અને અને અંગત બચત રૂ.૪૨૦૦૦/- ઘરમાં રહેલ સરકારી પેટી અને કબાટમાં મૂકી રાત્રે નોકરી પુરી કરી ક્વાટર્સને લોક મારી વતનમાં ગયા હતા. બંધ ક્વાટર્સમાં રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી ક્વાટર્સનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી સરકારી પેટીનું તાળું તોડી પેટીમાં રહેલા ૧૮૯૬૦૦/- રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરોએ બાજુમાં રહેલ અન્ય પોલીસકર્મીના મકાનનો નકુચો તોડી તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તિજોરીનું લોક ન તૂટતાં વધુ ચોરી અટકી ગઈ હતી. પોલીસલાઈનમાં ચોરીની ઘટના બનતા પોલીસકર્મીઓ પણ ચોકી ઉઠ્યા હતા આખરે પોલીસકર્મી વદનસિંહ ઝાલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

પોલીસલાઈનમાં ચોરીની ઘટનાના પગલે ભારે ખળભળાટ મચ્યો છે પોલીસકર્મી ખુદ સલામત ન હોવાથી જાણે તસ્કરો અને ઘરફોડ ચોરી કરનાર ગેંગ ખાખી પર હાવી થઇ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.