મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે લડત આપવા ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને કોંગ્રેસની એનએસયુઆઈ સક્રીય હતા ત્યારે જીલ્લામાં વધુ એક વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેદાને આવ્યું હોય તેમ "ગુજરાત રિજેકટ્સ રેપ ક્લચર" ના બેનર હેઠળ મોડાસા શહેરમાં બેનર સાથે હાથરસમાં બનેલી દુર્ઘટના અને સ્ત્રીઓ સામે થઇ રહેલ અત્યાચાર અને અન્યાય નાબૂદ કરવાની માંગ સાથે ચાર રસ્તા પર દેખાવો યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
 
મોડાસા શહેરમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની અરવલ્લી જીલ્લાના શાખાના વિદ્યાર્થીઓએ "ન્યાય છે અમારો અધિકાર અને સાંભળી લે બહેરી સરકાર" ના બેનર સાથે મોડાસા શહેરમાં રેલી યોજી ચાર રસ્તા પર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ચાર રસ્તા પર વિરોધ પ્રદર્શનથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
   
એસ.એફ.આઈ એ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાથરસ કાંડના આરોપીઓને કડક સજા કરવામાં આવે, નિર્ભયા ફંડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે મહિલા શસક્તિકરણ માટે તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે, "બેટી બચાવો બેટી પઢાવો " ફંડ જાહેરાત પૂરતો સીમિત ન રહે અને ફંડનું જમીની સ્તરે ઉપયોગ થાય ગામડે ગામડે વીમેન સેન્ટર અને મહિલા અને યુવતીઓને સેનેટરી પેડ મફત પુરા પાડવામાં આવેની માંગ કરી હતી આગામી સમયમાં વધુ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.