જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): કેન્દ્ર અને રાજ્ય સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો ભલે કરે પરંતુ અધિકારીઓને આમાં જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ જિલ્લા રમત-ગમત સંકુલ માટેની કામગીરી શરૂ કરવાની વાતચીતો ચાલી, જમીનની ફાળવણી પણ કરવામાં આવી, પણ બાંધકામ ક્યારે શરૂ કરાશે તે અંગે વહીવટી તંત્ર દ્વારા ઑલો અપ લેવાય છે કે, નહીં તે તો ભગવાન જાણે, પણ હાલ તો જિલ્લાના રમતવીરોએ અરવલ્લીને રાજ્યમાં 15મા સ્થાને લાવીને ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ માટે બે વાર ગ્રાન્ટ ફાળવી દીધી હતી, પણ હજી વહીવટી કામગીરીની આંટીઘૂંટીને કારણે અંદાજે 70 લાખ રૂપિયાની સરકારમાંથી મળેલ ગ્રાન્ટ પરત ગઇ. સ્પૉર્ટ સંકુલ માટે વહીવટી તંત્ર જાણે રસ કેમ નથી દાખવતું તે એક સવાલ છે. આ પહેલા કલેક્ટર દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અથાગ પ્રયત્નો કરીને મદાપુર નજીક 25 એકર જમીન ફાળવી દેવામાં આવી હતી, પણ હવે કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે.

રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા અને રાજ્ય સરકારે ખેલ મહાકુંભ થકી એક નવી પહેલ કરી છે, પરંતુ રમતવીરોને ઘર આંગણે યોગ્ય સુવિધાઓ ન મળવાથી રમતવીરોમાં રોષ જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં અન્ય જિલ્લામાં રમત માટે જવાનો વારો આવી રહ્યો છે. પણ તંત્રને ક્યારે રમતવીરોની વેદના સાંભળશે તે કોઇ જાણતું નથી.        

અરવલ્લી જિલ્લામાં વિકાસની વેગ આપવા માટે એક વર્ષ પહેલા ન્યૂ મોડાસાનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ગેસ પંપ સ્ટેશન, ગેસ પાઇપલાઈન, આયુર્વેદિક કોલેજની જમીન ફાળવણી, પોલિસ હેડ ક્વાર્ટર જમીન ની ફાળવણી જે-તે સમયે કરવામાં આવી હતી, પણ હાલના તબક્કે નવી કોઇ જ કામગીરી થઇ નથી, જેમાંનો મુખ્ય પ્રશ્ન જિલ્લા રમત સંકુલન છે, જે હવે રતવીરો માટે તાતી જરૂરિયા છે, તે જોવું રહ્યું.

મોડાસાના ડુંગરી વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ સ્પૉર્ટ સંકુલ બિનઉપયોગી બન્યું !

ડુંગરી વિસ્તારમાં આવેલનું મકાન વર્ષ 2015-16માં નિર્માણ થયું હતું, ત્યારબાદ રમત-ગમત માટે સંકુલ તૈયાર કરવા વર્ષ 2017-18માં મંજૂરી મળી હતી. આ સંકુલનું નિર્માણ કાર્ય વર્ષ 2019માં બનીને તૈયાર થયું હતું. અંદાજે 59 લાખના ખર્ચે તૈયાર થયેલ સ્પૉર્ટ સંકુલ બનાવવામાં તો આવ્યું પણ, આજદિન સુધી રમત માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્પૉર્ટ સંકુલમાં સ્કિલ્ડ સ્ટાફ ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

ડુંગરી વિસ્તારના સ્પૉર્ટ સંકુલની સુવિધાઓ બાસ્કેટ બૉલ,લૉન ટેનિસ, વૉલિબોલ સ્કેટિંગ રિંગ, ટેબલ ટેનિસ ઇન ડૉર બેડમિંટન ઇન ડૉર ઉપલબદ્ધ હોવાની જોરશોરથી જાહેરાતો થઇ હતી.

તાલુકા રમત સંકુલને લઇને ભિલોડા મામલતદારની ઢીલી નીતિ !

જિલ્લા કક્ષાએ રમત સંકુલની સાથે તાલુકા રમત સંકુલ બનાવવા માટે પણ સરકાર દ્વારા પહેલ કરવામાં આવે છે, જો કે, અધિકારી જાણે કયા કામમાં વ્યસ્ત હોય છે, તે કોઇ જાણતું નથી. ભિલોડા મામલતદાર કચેરીને તારીખ 19-06-2018 ના રોજ સીનિયર કોચ દ્વારા જમીનની ફાળવણી કરવા માટે જણાવેલ છે, પરંતુ જમીન આજદીન સુધી મળી નથી. સીનિયર કોચના પત્ર બાદ ભિલોડા મામલતાર દ્વારા જબાવ આપવામાં આવ્યો હતો કે, અમે જમીન શોધવાની કાર્યવાહી કરી રહ્યા છે. જમીન મળ્યે જાણ કરીશું, પણ આજદીન સુધી તાલુકા રમત સંકુલની જમીનને લઇને કોઇ જાણ કરવામાં આવી નથી.

જીલ્લાના ખેલાડીઓનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન

રેસ વૉકિંગ એથ્લેટિક રમતમાં માલપુર તાલુકાના બાબુભાઈ પણુચાએ અવ્વલ સ્થાન મેળવ્યું છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ સલીમ સુધારે જૂડોમાં પોતાની પ્રતિભા બતાવી જિલ્લાને ઓળખ અપાવી છે. આ સાથે જ હોકી, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, આર્ચરી, કબડ્ડી, ખો-ખો, જૂડો, કુસ્તી અને એથ્લેટિક જેવી રમતોમાં 100 થી વધારે પ્રતિભાશાળી રમતવીરો છે.

જિલ્લાના આંતરરાષ્ટ્રીય રમતવીરો વહીવટી તંત્રની નજરથી દૂર થયા ! 

બાબુભાઈ પણુચા એવા ખેલાડી છે કે, જેમણે દેશ અને રાજ્યનું નામ રેસ વોકિંગમાં રોશન કર્યું છે, તેમણે ભારતને બ્રોન્જ મેડલ અપાવ્યો હતો. માલપુર તાલુકાના આંબાવા ના વતની એવા બાબુભાઈ પણુચાએ ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ભારતીય ટીમના ત્રણ ખિલાડીઓ પૈકી એક હતા. વર્ષ 2012માં રશિયાના સારાન્સ્ક ખાતે આયોજિત આઈ.એ.એફ વર્લ્ડ રેસ વોકિંગની વીસ કિલો મિટરની પુરૂષ પ્રતિયોગીતામાં ગુજરાતના બાબુભાઇ સહિત અન્ય બે ખેલાડીઓએ કે.ટી.ઇરફાન અને સુરિન્દ્ર સિંઘની ટીમ મેડલથી એક ડગલુ દૂર હતી. પણ બીજા ક્રમાંકે આવનાર અને સિલ્વર મેડલ જીતનાર યુક્રેનની ટીમના એક ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા મેડલ પરત ખેંચી લેવાયો હતો, અને ચોથા ક્રમાંકે આવનાર ભારતીય ટીમને બ્રોન્જ મેડલ આપવામાં આપવાનો નિર્ણય વર્ષ 2019માં કરાયો હતો. વર્ષ 2012માં આયોજિત વર્લ્ડ રેસ વોકિંગમાં ચીનએ ગોલ્ડ, યુક્રેનએ સિલ્વર તેમજ ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, ત્યારે ભારતીય ટીમ ચોથા નંબરે રહી હતી, પણ યુક્રેનની ટીમ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા સાત વર્ષ પછી ભારતની વર્લ્ડ વોક રેસિંગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તો બીજા બે નેત્રહિન ક્રિકેટર વિકાસ પટેલ અને ભલાજી ડામોર કે, જેમણે ભારતને 28 વર્ષ પછી વર્લ્ડ કપ અપાવ્યો હતો, જેઓ આજે વહીવટી તંત્રને ખ્યાલ છે કે, નહીં તે એક સવાલ છે. આવા જિલ્લાના ગૌરવવંતા રમતવીરોને યાદ પણ નથી કરાતા.

 

ખેલ મહાકુંભમાં અરવલ્લી જિલ્લાના રમતવીરોનું યોગદાન

છેલ્લે વર્ષ 2018માં યોજાયેલા ખેલ મહાકુંભમાં અરવલ્લી જિલ્લાનું સ્થાન સમગ્ર રાજ્યમાં 13માં સ્થાને રહ્યું હતું, જેમાં રમતવીરોએ અરવલ્લી જિલ્લાને 84 જેટલા મેડલ અપાવ્યા હતા. જેમાં 07 - ગૉલ્ડ, 38 - સિલ્વર અને 39- બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

સ્પૉર્ટ સંકુલ બને જિલ્લાના વધુને વધુ યુવાઓની રમત ક્ષેત્રે રૂચિ વધી શકે

અરવલ્લી જિલ્લાની રચના થયાને સાડા સાત વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પણ હજુ જિલ્લા રમત સંકુલનું કાંઇ જ ઠેકાણું નથી. પણ જો જિલ્લાના રમત સંકુલની કામગીરીને ફરીથી વેગ મળે અને સત્વરે રમત સંકુલ બનાવવાની દિશામાં કામગીરી તેજ કરવામાં આવે તો જિલ્લાના અનેક રમતવીરો માટે લાભદાયી નિવળી શકે એમ છે. જિલ્લાના રમતવીરો આર્ચરી, એથ્લેટિક, કબડ્ડી, વૉલિબોલ, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, ખો-ખો વગેરે જેવી રમતોમાં રૂચિ છે, એટલું જ નહીં મહિલા રમતવીરોમાં પણ તેટલો જ ઉત્સાહ જોવા મળે છે, પણ હાલ જે વ્યવસ્થા છે, તે પૂરતી નથી જેને કારણે રમતવીરોમાં નારાજગી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે.

જિલ્લા રમત-ગમત સંકુલની સુવિધાઓ

1)      ઇન ડૉર હૉલ રમત

-          લૉન ટેનિસ

-          બેડ મિન્ટન

-          જૂડો

-          કુસ્તી

-          શૂટિંગ

2)      આઉટ ડૉર રમત

-          એથ્લેટિક (સિન્થેટિક ટ્રેક – 400 મી.)

-          લૉન ટેનિસ ગ્રાઉન્ડ (4 ગ્રાઉન્ડ)

-          બાસ્કેટ બોલ (2 કૉર્ટ)

-          હેન્ડ બોલ (1 ગ્રાઉન્ડ)

-          સ્વિમિંગ પૂલ (50 મી.)

-          ખો – ખો

-          કબડ્ડી

-          આર્ચરી

-          ફૂટબોલ

-          વૉલિબોલ (4 કૉર્ટ)

સ્પૉર્ટ સંકુલની અન્ય સુવિધાઓ

-          613 બેડની હૉસ્ટેલ

-          15 રમત

-          ઇન ડૉર હૉલ

-          સ્વિમિંગ પૂલ