મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જિલ્લામાંથી પસારથતો રાજ્યધોરીમાર્ગે નં-૫ શામળાજી-ગોધરા ફોરલેન માર્ગના નિર્માણ પછી હાઈવે ની બંને બાજુ તરફ આવેલ પેટ્રોલ પમ્પો અને હોટલો વાળાઓ એ ગ્રાહકો મેળવવામાં માટે પ્રજાજનો અને વાહનચાલકો ના જાનના જોખમે આડેધડ ડિવાઈડરો તોડી પાડી અવરજવર માટે જગ્યાઓ બનાવતા તોડી પડાયેલ ડિવાઈડરો માંથી વાહનો રોડ ક્રોસ કરતા હોવાથી અકસ્માત ની ઘટનાઓ છાસવારે બની રહેતા આ અંગે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ગુજરાત રોડ ડેવલોપર્સ કોર્પોરેશન ગાંધીનગર મેનેજરને પત્ર લખી ને.હા.નં-૫ આવેલ ગેરકાયદેસર કટ દૂર કરવા તાકીદ કરી છે. અને ગેરકાયદેસર કટ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક અસરથી કામગીરી કરવા જણાવ્યું છે. ગેરકાયદેસર કટ દૂર કરવા જીલ્લા કલેક્ટર અને રોડ નિર્માણ કરનાર એલએન્ડટી કંપનીને પણ જાણ કરવામાં આવી છે. જીલ્લા પોલીસવડાની કામગીરીની લોકોએ ભારે સરાહના કરી હતી. 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નં-૫ શામળાજી આશ્રમ ચોકડી થી મોડાસા સહયોગ ચોકડી, માલપુર ગલિયાદાંતી ટોલપ્લાઝાથી બાબલીયા ચોકડી સુધીના માર્ગ પર ઠેર ઠેર ગેરકાયદેસર કટના પગલે અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની જીવ ગુમાવતા હોવાનું ધ્યાને આવતા આ અંગે સમગ્ર હાઈવે પર નિરીક્ષણ કરી ગેરકાયદેસર ધંધાર્થીઓએ આપેલ ૩૬ કટ શોધી કાઢી આ અંગેના ફોટોગ્રાફ સહીત વિસ્તૃત માહિતી સાથે ગાંધીનગર સ્થીત ગુજરાત રોડ ડેવલોપર્સ કોર્પોરેશન લિમિટેડના મૅનેજર, જિલ્લા કલેકટર અને રોડ પર ટોલપ્લાઝા ધરાવતી એલ એન્ડ ટી કંપનીને પત્ર લખી ગેરકાયદેસર કટ હટાવવા તાકીદ કરી છે. અને આર્થિક લાભ ખાતર હાઇવે પર ગેરકાયદેસર કટ કરનાર શખ્શો સામે મોટર વિહકલ એક્ટ મુજબ ગુન્હો બનતો હોવાથી આઇપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેની તાકીદ કરી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યધોરીમાર્ગ પર બિન અધિકૃત રીતે તોડી પડાયેલ ડિવાઈડરો તોડી બનાવી દિધેલ માર્ગ વિષે ટોલરોડ સંચાલકો પણ જાણતા હોવા છતાં ભેદી સૂચક મૌન દાખવતા તેમની પણ મીલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.