મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં બે જુદા જુદા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. માલપુર તાલુકાના સોનીકપુર ગામ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા સોનીકપુરના આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય અજાણ્યા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડી દીધો હતો. શામળાજીના ખારી નજીક માનસીક અસ્વસ્થ વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડતા સારવાર દરમીયાન મોત નીપજ્યું હતું. પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
માલપુર તાલુકાના સોનીકપુર ગામના રમણભાઈ પટેલ બાઈક લઇ કામકાજ અર્થે નીકળ્યા હતા. ગામની સીમમાં પસાર થતા અન્ય બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થતા મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે પરીવારજનો અને ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું અન્ય અજાણ્યો બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. 

શામળાજીના ખારી ગામ નજીક એક માનસીક વિકલાંગ વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા વૃદ્ધના શરીરે ગંભીર ઈજાઓ થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ વૃદ્ધને સારવાર અર્થે હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતાં શામળાજી પોલીસે અજાણયા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.