મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે પરંતુ શૈક્ષણિક કાર્યાલય બંધ નથી તે અંતર્ગત સમગ્ર ગુજરાત તથા દેશમાં વિધાર્થીઓ જુદા જુદા માધ્યમથી ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારે દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ કાર્ય કરે છે. તેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્રારા જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર હસ્તે “ અરવલ્લી શિક્ષણ જ્યોત “  ના નામે શિક્ષણમાં અતિ ઉપયોગી ધોરણ- ૯ થી ૧૨ સુધીના વિધાર્થીઓને બહોળો પ્રમાણમાં લાભ મળી રહે તે હેતુથી એપ્લીકેશન ખુલ્લી મુકવામાં આવી આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રીબેન પટેલ તેમજ જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.  

જીલ્લા કલેકટર  અમૃતેશ ઔરંગાબાદકર  ના જણાવ્યા અનુસાર,જે વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી તેમના માટે સ્ટડી મટીયરલ વિધાર્થીઓ સુધી પહોંચે તેવી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ એપ્લીકેશન દ્રારા જિલ્લાના વિધાર્થીઓ અને વાલિઓ અરવલ્લી જિલ્લાની શૈક્ષણિક કસોટીઓ, અરવલ્લી જિલ્લાનું સાહિત્ય, શિષ્યવૃત્તિ અંગેની ઉપયોગી ફાઇલ, અગત્યના પરિપત્રો અગત્યની વેબસાઈટ વગેરે જોવા મળશે.