મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં મેઘ ગર્જના સાથે તસ્કરો કળા કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વરસતા વરસાદનો લાભ ઉઠાવી બે દુકાનો અને એક ક્લીનીક પર તસ્કરો ત્રાટકી ધાપ બોલાવી હતી ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા ત્રણે સ્થળે અગબરબત્તી કરી પૂજા અર્ચના કરી હતી. તસ્કરોની નવી મોડસ ઓપરેન્ડીસ શામળાજી પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પોલીસની આંખો સામે ચોર ગેંગ ત્રાટકી ચોરી કરી ફરાર થઇ જતા વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. ચોરીની ઘટનાની જાણ શામળાજી પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી. 

શામળાજી પોલીસના પોઇન્ટ નજીક આવેલા સીતારામ કોમ્પ્લેક્ષમાં બુધવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચોર ગેંગે ગોપાલ જનરલ સ્ટોર્સ, લીના ફોટો સ્ટુડીયો અને એક ખાનગી કલીનીકમાં શટરના તાળા તોડી પ્રવેશી ત્રણે સ્થળ પર અગરબત્તી કરી ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. ત્રણે દુકાનોમાંથી અંદાજે ૨૫ હજારથી વધુની રોકડ રકમ અને ચીજવસ્તુઓની ઉઠાંતરી કરવામાં તસ્કરો સફળ રહ્યા હતા. શામળાજી પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ વેપારીઓમાં ઉઠી છે. પોલીસ પણ ચોરી કરતા પહેલા અગરબત્તી કરતી તસ્કર ટોળકી સામે અચરજમાં પડી ગઈ છે. શામળાજી પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.