મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ખેડા જીલ્લાના સેવાલીયા પોલીસે થોડા દિવસ અગાઉ દારૂ ભરેલ વાહન સાથે હરિયાણાના એક ખેપીયાને દબોચી લીધો હતો. દારૂ ભરેલ વાહન અને દારૂ ભરી આપનાર સામે ગુન્હો નોંધી પોલીસ વધુ તપાસ અર્થે હરીયાણા પહોંચી હતી તપાસ કરી મંજીત રાધેશ્યામ ધાનક સાથે પરત ફરી રહી હતી. ત્યારે શામળાજી નજીક આરોપીએ ઉલ્ટી થતી હોવાનું જણાવતા સેવાલીયા પોલીસે ગાડી ઉભી રાખી એક કોન્સ્ટેબલ આરોપી સાથે નીચે ઉતર્યો હતો. ખેપીયાએ ઉલ્ટી કરતો હોવાનો ઢોંગ કરી નજીક ઉભેલા કોન્સ્ટેબલને ધક્કો મારી નજીક રહેલ ડુંગરમાં ગરકાવ થઇ જતા સેવાલીયા પોલીસ હોફળી ફોફળી બની હતી. શામળાજી નજીક પોલીસ જાપ્તામાં રહેલ બુટલેગર ફરાર થઇ જતા ખેડા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. જયારે આ પ્રકરણે સેવાલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ ની ફરીયાદ બાદ શામળાજી પોલીસે ફરાર આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement


 

 

 

 

 

સોમવારની રાત્રે શામળાજી નજીક ભવાનપુર ગામની સીમમા પ્રોહીબીશનના ગુનાનો આરોપી સેવાલીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી જતાં જ ચકચાર મચી હતી. સેવાલિયા પોલીસે મંજીત ધાનકને સેવાલીયા પોલીસે ઝડપી લીધો હતો.આ આરોપીના સાથીદાર અશોક યાદવ જેતે સમયે ભાગી જતાં આ સહઆરોપીને ઝડપી લેવા, દારૂ ભરી આપનાર આરોપીની તપાસ કરવા અને આ પ્રકરણે વધુ સહઆરોપીઓની તપાસ અર્થે રીમાન્ડ પર મેળવેલ આ આરોપીને લઈ સેવલીયાની પોલીસ ટીમ હરીયાણા ગઈ હતી. હરીયાણા ખાતે તપાસ પૂર્ણ કરી સેવાલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ નરેશકુમાર ગામેતી રહે.બાલેટા, વિજયનગર અને પો.કો.અર્જુનસિંહ ફતેસિંહ તેમજ પ્રવિણસિંહ ઉદેસિંહ પરત સેવાલીયા ફરી રહયા હતા.

આ ટીમનું વાહન શામળાજી-મોડાસા માર્ગના ભવાનપુરા નજીકથી પસાર થઈ રહયુંહ તું.  ત્યારે આરોપી મંજીત ધનાકે પોતાને ઉલટી થઈ રહી છે,એમ જણાવતાં પોલીસે ગાડી રોડ સાઈડે ઉભી રાખી હતી. આરોપી પેટ પકડી ઉલટી કરવા નીચે રોડ સાઈડે બેઠો હતો, ત્યારે એએસઆઈ નરેશકુમાર પાણી લેવા ગાડી તરફ ગયા ત્યારે જ એકાએક આ આરોપીએ પ્રવિણસિંહ કોન્સ્ટેબલને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને આરોપી રાત્રીના અંધારામાં ડુંગરના જંગમાં ભાગી ગયો હતો.આ પ્રકરણે સેવાલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈની ફરીયાદ બાદ શામળાજી પોલીસે ફરાર આરોપી મંજીત રાધેશ્યામ ધાનક વિરુદ્ધ ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.