મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં યુવતીઓ અને સગીરાના અપહરણના બનાવોમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શામળાજી પંથકમાં પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ઉણી ઉતરી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે. ભિલોડામાંથી યુવતીના અપહરણની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક સગીરાનું અપહરણની ઘટના સામે આવી છે. હિંમતનગરથી ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં વતન જવા નીકળેલ માતા અને પુત્રી શામળાજી બસ સ્ટેન્ડ રોડ પરથી પસાર થતા હતા, ત્યારે ઓડ ગામનો યુવક અન્ય એક શખ્શ સાથે મળી સગીરાનું બાઈક પર અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી. પુત્રીનું આંખો સામે અપહરણ થતા માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. પુત્રીનું બાઈક પર અપહરણ થતા તેની માતાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ઓડ ગામના કીરણ પ્રકાશ ગામેતી અને તેના સાગરિત સામે ગુનો નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડાના ગ્રામ્ય વિસ્તારનો એક પરિવાર હિંમતનગર સહકારી ચાર રસ્તા પર ખાનગી કંપનીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યો છે. સોમવારે વતનમાં કામકાજ હોવાથી પુત્રી અને માતા સવારે ૮ વાગે ઘરેથી નીકળ્યા હતા. શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોડ પરથી પસાર થતા હતા ત્યારે ઓડ ગામનો કિરણ પ્રકાશ ગામેતી નામનો યુવક અન્ય એક શખ્સ સાથે બાઈક પર પહોંચી સગીરાનું બાઈક પર અપહરણ કરી રફુચક્કર થતા સગીરાની માતા સુન્ન થઇ ગઈ હતી. શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી સગીરાનું અપહરણ થતા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા આખરે પોતાની દીકરીનું ધોળા દહાડે અપહરણ થતા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો અને સગા-સબંધી શામળાજી દોડી આવ્યા હતા અને અપહત્ય યુવતીની શોધખોળ હાથધરી હતી.

શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોડ પરથી સગીરાને બે શખ્શો બાઈક પર ઉઠાવી જતા શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી શામળાજી પોલીસે અપહરણ થયેલ સગીરાની માતાની ફરિયાદના આધારે કીરણ પ્રકાશ ગામેતી (રહે,ઓડ,ભિલોડા)અને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.