જય અમિન (મેરાન્યૂઝ.મોડાસા): રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મોડાસામાં અરવલ્લી જીલ્લા પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય તે માટે દૂધ સંજીવની યોજના શરુ કરવામાં આવી હતી અને આ યોજના રાજ્યના અન્ય આદિવાસી જીલ્લામાં અમલમાં મુકવામાં આવી હતી.

રાજ્યમાં પ્રાથમિક શાળામાં નવા સત્રના પ્રારંભ થયાના ૧૫ દિવસનો સમય વીતવા આવ્યો છતાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને પહોંચાડતું ફ્લેવર્ડ દૂધ અગમ્ય કારણોસર બંધ રહેતા બાળકો પોષણથી વંચિત રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં દૂધ સંજીવની યોજના પ્રાથમિક શાળાના અને આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્ય માટે અને પોષણ માટે ખુબજ ફાયદાકારક સાબિત થવાની સાથે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટાડવામાં મદદરૂપ બની રહી છે. જીલ્લાના અંતરિયાળ વિસ્તારોની પ્રાથમિક શાળાઓ અને ગરીબી રેખા હેઠળ જીવતા બાળકોને શાળા સુધી ખેંચી લાવવામાં પણ આ યોજના ફાયદારૂપ બની રહી હતી. કેટલાક બાળકો દૂધ સંજીવની યોજના બંધ થતા શાળાએ આવવાનું પણ બંધ કરી દીધું હોવાનું કેટલાક શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

અરવલ્લી જીલ્લામાં ખોટકાઈ પડેલી દૂધ સંજીવની યોજના ઝડપથી શરુ કરવામાં આવે અને જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોના પોષણ માટે સંજીવની યોજના પૂર્વરત કરવામાં આવેની માંગ વાલીઓમાં ઉગ્ર બની છે.

અરવલ્લી જીલ્લા પુરવઠા અધિકારી સોજીત્રા બેનના જણાવ્યા અનુસાર, દૂધ સંજીવની યોજનામાં ફેલવર્ડ દૂધ પૂરું પાડતી સાબરડેરીમાં પ્લાન્ટનું સિફટીંગ ચાલતું હોવાથી પ્લાન્ટ સીફ્ટ થતા તુરંત અરવલ્લી જીલ્લામાં દૂધ સંજીવની યોજના પૂર્વરત થઇ જશે. 

બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર જે.જે.પટેલને દૂધ સંજીવની યોજના જીલ્લામાં બંધ હોવા અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા અગમ્ય કારણોસર દૂધ સંજીવની યોજનાનું નામ પડતા જ જોવડાવી લઉં અને નાયબ કલેક્ટરને પૂછો તેવા જવાબો આપી સવાલથી રીતસર પીછો છોડાવતા હોય તેવી સ્થિતિ ઊભી કરી રહ્ય હતા અને સતત ટેલિફોનિક સંપર્ક કરવા છતાં ફોન કાપી નાખ્યો હતો.