મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લો હવે સરળતાથી પ્રજાને ભોળવીને પૈસા કમાવવાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની ભોળી પ્રજાને છેતરીને કેટલાક ઇસમો હવે સર્વે કરીને પૈસા પડાવી લોકો સાથે છેતરપિંડી કરતા નજરે ચઢ્યા છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના બાયડ અને ધનસુરા પંથકમાં બન્યો છે, જ્યાં સખી મંડળના દસથી વધારે સમૂહ સાથે એક થી બે ઇસમોએ લોન આપવાના બહાને છેતરિંડી બાયડ અને ધનસુરા પંથકમાં પોતાનો શિકાર બનાવવા સર્વે કર્યો અને છેલ્લા ત્રણ દિવસથી અમરગઢ, સુંદરપુરા, સાઠંબ, આંબાગામ તેમજ આકરૂંદ સહિતના વિસ્તારોમાં ગઠિયાઓએ મહિલાઓ પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ રચ્યો અને 13 તારીખના રોજ મોડાસાની એચ.ડી.બી. ફાઈનાન્સ સર્વિસ કંપનીની શાખામાં લોન લેવા માટે  બોલાવ્યા હતા. સો જેટલી મહિલાઓ પોતાના સપનાઓ સાકાર કરવા લોન લેવા માટે મોડાસા પહોંચી તો તેમના પગ તળેથી જમીન સરકી ગઇ અને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો આ તમામ મહિલાઓને ખ્યાલ આવ્યો.

Advertisement


 

 

 

 

 

આ સમગ્ર ઘટનાને લઇને ભોગ બનનાર મહિલાઓએ મોડાસા ખાતે આવેલી HDF ફાઈનાન્સ સર્વિસ શાખાથી ખ્યાલ આવ્યો કે, તેઓની સાથે ફ્રોડ થયો છે, ત્યારે આ તમામ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. તેઓની સાથે ફ્રોડ થયાની જાણ થતાં કેટલીક મહિલાઓની આંખો આસુઓથી છલકાઈ ગઇ હતી. મજૂરી કરી પેટિયું રડતી આ તમામ મહિલાઓના સપના એક ઝાટકે ચકનાચુર થઇ ગયા.

બાયડના  અમરગઢ, સુંદરપુરા, સાઠંબા, આંબાગામ અને ધનસુરાના આંકરૂંદ પંથકમાં બે ઇસમો લોન આપવાના બહાને ફરી રહ્યા હતા, ભોગ બનનાર મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓને પ્રત્યેક મહિલા દીઠ રૂપિયા 2150 જમા કરાવી તેની સામે 40 હજાર રૂપિયાની લોન આપવાનો જગદીશભાઈ નામના ઇસમે કર્યો હતો, એટલે મહિલાઓએ 2150 રૂપિયાનો હપ્તો ભરી દેતા તેઓન એચ.ડી.બી ફાઈનાન્સ કંપનીની પાવતી આપતા મહિલાઓ ભોળવાઈ ગઇ, ત્યારબાદ તમામ મહિલાઓને 13 તારીખના રોજ તેમની લોન મંજૂર થઇ છે, અને મોડાસાના ડિપ વિસ્તાર, શામળાજી રોડ પર આવેલ શાખાથી લેવા માટે બોલાવ્યા હતા. સો  જેટલી મહિલાઓ લોન લેવા માટે તો આવી, પણ તેઓને ખ્યાલ જ નહોતો કે, તેઓ ફ્રોડનો ભોગ બની છે. કેટલીક મહિલાઓ મોટા સપનાઓ સાથે આવી પહોંચી પણ તેઓના સપના પૂરા થાય તે પહેલા જ તેના પર ગઠિયાઓએ પાણી ફેરવી દીધું.