મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ૨૩ ફેબ્રુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે અને હાલ ધરણા પર બેઠા છે ૨૬ દિવસથી ચાલી રહેલા આંદોલન પછી અને રાજ્યમાં જીલ્લા,તાલુકા કક્ષાએ રેલી અને આવેદનપત્ર આપવાના ભરચક આંદોલન પછી પણ સરકાર તરફથી કોઈ સકારત્મક પ્રતિઉત્તર નહિ મળતા ૨૬ ફેબ્રુઆરીએ આદિવાસી સમાજના વિવિધ સંગઠનોએ ગાંધીનગરમાં વિશાળ રેલી અને વિધાનસભાના ઘેરાવ કરી ન્યાયની માંગ કરવા આંદોલન કરશે જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાદ્યો અને તીરકામઠાં સાથે જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી ગાંધીનગર ખાતે રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં ૨૦ હજારથી વધુ આદિવાસી સમાજના લોકો તિર-કામઠા ,ઢોલ-નગારા આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત વાજિંત્રો સાથે જોડાશે હાલ આદિવાસી સમાજના હક્ક માટે જોડાવવા તિર-કામઠા બનાવવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે આદિવાસી સમાજની વિવિધ સમિતિઓ દ્વારા બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે વિધાનસભા ઘેરાવ અને રેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આંદોલન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની ખાસ તકેદારી રાખવા માટે સમાજના અગ્રણીઓએ આહવાન કર્યું છે.

૨૬ ફેબ્રુઆરીએ આદિવાસી સમાજની ગાંધીનગરમાં મહારેલી અને વિધાનસભા ઘેરાવના કાર્યક્રમથી તંત્ર અને આઈબી સતર્ક બન્યું છે એલઆરડી ભરતી પ્રકરણમાં અનામત વર્ગની મહિલાઓનું આંદોલન હજુ યથાવત છે ત્યારે આદિવાસી સમાજની મહારેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમથી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે